સંત સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બહિષ્કાર સાથે 13 ઠરાવ પસાર કરવામાં આવ્યાં

સાળંગપુર હનુમાનજી વિવાદિત ભીંતચિત્રો મામલે આજે 3 સપ્ટેમ્બરે અમદાવાદના સાણંદમાં આવેલા લંબેનારાયણ આશ્રમ ખાતે ડો. જ્યોતિરનાથ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંત સંમેલનમાં 13 જેટલા વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા. હનુમાનજીને દાસ ચિતરતા સાધુ-સંતો આકરા પાણીએ આવી ગયા છે. સાધુ સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરી સ્વામિનારાયણ મંદિર ન જવાના શપથ લીધા છે.આ સંમેલનમાં ઋષિભારતી બાપુ સરખેજ, વિશ્વેશ્વરી ભારતીજી માતા, કલ્યાણનંદ ભારતી બાપુ, નીલકંઠ મહારાજ, હર્ષદગીરી બાપુ, દેવાનંદ ભારતી બાપુ, ગીતા દીદી, દેવાનંદ ભારતી બાપુ, રોકડિયા બાપુ, ધીરેન્દ્ર બાપુ, મોહક ગંગાદાસ વગેરે હાજર રહ્યાં હતા અને આ તમામ 13 ઠરાવોને સમર્થન આપ્યું હતું.
સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ આ 13 ઠરાવ પસાર કરવામાં આવ્યાં
1) ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શાંતિ દોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હનુમાન દાદા અને સનાતન ધર્મના દેવી-દેવતાનો અપમાન કરી ભક્તોની લાગણી દુભાવવામાં આવી છે, જેની સરકારે નોંધ લઇ અને સ્વામિનારાયણ સંપ્રદાયને દિશા સૂચન આપવામાં આવે.
2) ભારત સરકાર દ્વારા સનાતન ધર્મના પુસ્તકોમાં ફેરફાર કરનારા સામે કડક કાર્યવાહી થાય તેવો કાયદો સંસદમાં પસાર કરવામાં આવે.
3) સનાતન ધર્મના કોઈપણ સાધુ સંતો આજથી સ્વામિનારાયણ મંદિરનો બહિષ્કાર કરી, સંતોને આવકારીશું નહીં અને તેમના આમંત્રણને સ્વીકારશું નહીં કે આપીશું પણ નહીં.
4) સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તો સહજાનંદ સ્વામીને પોતાના ઈષ્ટ દેવ માનતા હોય છે. સ્વામિનારાયણ મંદિરોમાં કોઈપણ સનાતન ધર્મના દેવી-દેવતાઓનું સ્થાપન કરવું નહીં.
5) સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-ભક્તોએ કોઈપણ સનાતન ધર્મના દેવી-દેવતાઓના નામ લેવા નહીં.
6) સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સનાતન ધર્મના શાસ્ત્રો જેવા કે ભગવતગીતાનું પઠન, રામચરિત માનસ અને યજ્ઞ કર્મકાંડ ન કરવું.
7) સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જ્યાં પણ સનાતન ધર્મના હિન્દુ દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયત્ન થાય તે ભાગને કાયમી દૂર કરવામાં આવે.
8) સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યાં પણ સનાતન ધર્મના દેવી-દેવતાઓ સહજાનંદ સ્વામીને સર્વોપરી હતા, તેથી ભીંતચિત્રો અને ઔદિચ્ય ભંગને તાત્કાલિક હમેશાં માટે દૂર કરવા.
9) સનાતન ધર્મની કોઈપણ સંસ્થામાં સ્વામિનારાયણના સંતો હોદ્દા પર હોય તો તેઓના તાત્કાલિક રાજીનામાં લેવા.
10) સનાતન ધર્મની કોઈપણ પરંપરા માતાજી કે સાધ્વી બહેનોએ સ્ટેજ જ પરથી નીચે ઉતારવાનું કહી અપમાન ન કરવું.
11) સનાતન ધર્મના સંતો ખોટા છે અને સ્વામિનારાયણના સંતો સાચા છે, એવું સનાતન ધર્મની લાઈન ભૂસી અને પોતાની લીટી મોટી કરવાનો પ્રયાસ કરવામાં આવે નહીં.
12) સમગ્ર ભારતમાં સંત સમાજ દ્વારા અને સનાતન ધર્મના નિવૃત્ત નાગરિકો દ્વારા ઉચ્ચ ન્યાય આપવો
13) સનાતન ધર્મની જે જગ્યા પર સ્વામિનારાયણના સંતોએ કબજો કરેલો હોય તે જગ્યા ખાલી કરી સરકારને પરત કરવી










