

વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
સ્વાગત કાર્યકમે ગુજરાતમાં સુશાસનને પ્રોત્સાહિત કરવામાં મોટી ભુમિકા ભજવી છે. તેમજ સમાન્ય નાગરિકોના પ્રશ્નોનો જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અસરકારક અને પરીણામલક્ષી સુ:ખદ નિરાકરણ કરવામાં આવે છે. દાહોદ જિલ્લામાં અનેક સામાન્ય નાગરિકોએ સ્વાગત કાર્યક્રમ થકી પોતાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ મેળવ્યું છે.
જિલ્લા કક્ષાના અધિકારીઓની સત્તામાં આવતા હોય તેવા પ્રશ્નો જિલ્લા સ્વાગત કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવે છે. પ્રતિ માસ ચોથા ગુરુવારે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. અને કલેક્ટરશ્રી સામાન્ય નાગરિકના પ્રશ્નો રૂબરૂ સાંભળીને તેનો તાત્કાલિક નિકાલ કરવા માટેના જરૂરી આદેશો આપે છે.
આ ઓગષ્ટ માસના ચોથા ગુરુવારે યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમની વાત કરીએ તો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામના ધીરેનભાઈ અર્જુનભાઇ પંચાલ સાત બાર આઠ ની નકલ માટે અરજી કરી હતી. ધીરેનભાઈ છેલ્લા ચાર વર્ષથી આ માટે પ્રયાસ કરી રહ્યાં હતા. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ સ્વાગત કાર્યક્રમમાં આજે તેમની નકલ મળી જશે તેમ જણાવ્યું હતું અને સબંધિત અધિકારીશ્રીને આ અંગે સૂચનો કર્યા હતા. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આટલું ત્વરિત નિરાકરણ આવી જતા ધીરેનભાઈએ હાશ અનુભવી હતી અને સ્વાગત કાર્યક્રમ માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.








