સાપુતારા:નવાગામનાં તળાવમાં કાયાકિંગ બોટિંગ દ્વારા પ્રવાસીઓ પાસે ઉઘાડી લુટ ચલાવતાં હોવાની ફરિયાદ ઉઠી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગિરિમથક સાપુતારા ખાતે આવેલ નવાગામનાં તળાવમાં કાયાકિંગ બોટિંગ એજન્સી દ્વારા શરત ભંગ કરીને પ્રવાસીઓ પાસે ઉઘાડી લુટ ચલાવવામાં આવતા ફરિયાદ ઉઠવા પામી છે.અને તપાસની માંગ કરવામાં આવી રહી છે..
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા સુરતની કઠિયારો વોટરસ્પોર્ટસ પ્રા. લી. નામની એજન્સીને સાપુતારા ખાતે પ્રવાસન પ્રવૃતિને ઉત્તેજન મળે તે હેતુથી સાપુતારાનાં (નવાગામ) ખાતે આવેલ નવા તળાવમાં કાયાકીંગ પ્રવૃતિ કરવા શરતોના આધીન તા.01/05/2023 થી તા. 31/12/2023 સુધી હંગામી ધોરણે પરવાનગી આપવામાં આવી છે.પરંતુ એજન્સી દ્વારા નીતિ નિયમોને નેવે મૂકીને કમાણી કરવામાં રસ હોય તેવું જોવા મળી રહ્યુ છે.કાયાકિંગ બોટિંગ સંચાલકો દ્વારા પ્રવાસીઓ પાસે ઉઘાડી લુટ ચલાવવામાં આવી રહી છે.વર્ક ઓર્ડરમાં પ્રમાણે, કાયાકિંગની પ્રવૃત્તિ માટે એક સીટર કાયક (એક વ્યક્તિ) માટે રૂા.100/- ની ટીકીટ તેમજ બે સીટર કાયક (બે વ્યક્તિ) માટે રૂા.150/- (75×2) ની ટીકીટ આપવાની હોય છે.આ નિયત દર કરતા વધુ દર સહેલાણીઓ પાસેથી વસુલી શકાય નહીં.પરંતુ એજન્સી તો પોતાના આર્થિક સ્વાર્થ માટે સહેલાણીઓ પાસેથી 500 થી 700 રૂપિયાની તગડી રકમ ઉઘરાવતા હોવાની ચોંકાવનારી વિગત સામે આવવા પામી છે.સાથે પ્રવાસીઓને ટિકટ પણ ન આપી ભય વગરનાં ભ્રષ્ટાચારને અંજામ અપાઈ રહ્યો છે.કાયાકીંગ (વોટરસ્પોર્ટસ)નાં સાધનો નિયત કરેલ ટેકનીકલ સ્પેકશન અને માપદંડ મુજબના છે તેમજ તેમની ફિટનેશ સર્ટીફિકેશન અંગેનું પ્રમાણપત્ર ટેકનીકલ નિષ્ણાંત/સક્ષમ અધિકારી પાસેથી મેળવી રજુ કરવાનું હોય છે.પરંતુ અહીં એજન્સીએ બોટીંગ ચાલુ કર્યું ત્યારથી આજદિન સુધીમાં ફિટનેસ સર્ટિફિકેશન અંગેનું પ્રમાણપત્ર લીધુ જ નથી.અને આ બોટીંગ રામભરોષે ચલાવાઈ રહ્યુ છે.આજરોજ કાયાકિંગ એજન્સીનાં સંચાલકોની બેદરકારીને કારણે પ્રવાસીઓ કોઈપણ પ્રકારની સેફટી વગર તળાવમાં નહાવા કૂદી પડતા ચકચાર મચી જવા પામી હતી.ત્યારે અહી કોઈ જાનહાની થશે તો તે માટે કોણ જવાબદાર રહેશે ? સુરતની કઠિયારો વોટરસ્પોર્ટસ પ્રા.લી. નામની એજન્સી કે પછી જવાબદાર નોટિફાઈડ એરિયાનાં અધિકારીઓ તે પણ ઘૂંઘવતો પ્રશ્ન ઉભો થયો છે.કઠિયારો વોટરસ્પોર્ટસ પ્રા. લી. નામની એજન્સી ને પોતાના આર્થિક સ્વાર્થ માટે કમાણી કરવામાં જ રસ હોય તેવું નજરે દેખાઈ રહ્યું છે. કારણ કે એજન્સી દ્વારા નિયત દર કરતા વધુ રકમ ઉઘરાવવામાં આવે છે અને સેફટીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે અને એજન્સી સામે કડક કાર્યવાહીનાં પગલા ભરી આ બેફામ બનેલ બોટીંગ પ્રવૃત્તિ બંધ કરવામાં આવે તેવી પણ સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.
બોક્ષ-(1) મેહુલભાઈ ભરવાડ-ચીફ ઓફિસર સાપુતારા આ બાબતે સાપુતારા નોટીફાઈડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસર મેહુલભાઈ ભરવાડ જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે નવાગામ ખાતે નવા તળાવમાં ચાલતી કાયાકિંગ બોટીંગ બાબતે હું હાલમાં જ સાપુતારાનાં નોટિફાઈડ એરિયાનાં નાયબ મામલતદારને તપાસનાં આદેશો આપુ છું.કાયાકિંગ બોટીંગની શરતોનાં આધારે ગેરરીતિ જણાશે તો કડક કાર્યવાહી હાથ ધરાશે…