
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
શાળાઓનાં પડતર પ્રશ્નોનાં નિરાકરણ અંગે સરકાર દ્વારા ત્રણ વખત બાંહેધરી આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા ડાંગ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘએ મુખ્યમંત્રીને સંબોધીને રજૂઆત કરી હતી.પરંતુ સરકાર દ્વારા આજ દિન સુધી ઠરાવ કરવામાં આવ્યો નથી.જેના વિરોધમાં ડાંગ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મૌન ધરણા પ્રદર્શન કરવામાં આવ્યુ..પ્રાપ્ત વિગતો અનુસાર શિક્ષકોનાં પડતર પ્રશ્નો અંગે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.પ્રશ્નોના નિરાકરણ બાબતે સરકાર દ્વારા પત્રકાર પરિષદમાં પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.વિધાનસભાની ચૂંટણી અગાઉ સરકાર દ્વારા તમામ પ્રશ્નોના ઉકેલ અંગેની બાંહેધરી આપવામાં આવી હતી અને ટૂંક સમયમાં તમામ ઠરાવ કરવા સ્વીકારવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી હતી.ચૂંટણીઓ બાદ પણ શિક્ષણમંત્રીએ તમામ પરિપત્રો કરવાની ખાત્રી આપી હતી.ત્યારબાદ ગત એપ્રિલ માસમાં વિદ્યા-સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણમંત્રી ડૉ.કુબેરભાઇ ડીંડોર અને રાજ્યકક્ષા શિક્ષણમંત્રી પ્રફુલભાઇ પાનસેરીયા, શિક્ષણસચિવ વિનોદરાવ ગુ.મા.અને ઉ.મા.સિ બોર્ડના અધ્યક્ષ એ.જે.શાહ અને સંબંધિત તમામ અધિકારીઓની હાજરીમાં સંકલન સમિતિ સમક્ષ મંત્રીએ પત્રકાર પરિષદમાં શાળાઓનું નવું સત્ર શરૂ થાય તે પહેલા તમામ ઠરાવ મંજૂર કરવાની જાહેરાત કરી હતી.પરંતુ કોઈ પણ પ્રકારનો ઠરાવ પસાર કરવામાં ન આવતા ડાંગ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી તથા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી.પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થતા તેના વિરોધમાં ડાંગ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા તા.12/08/2023 ના રોજ અંદાજે 150 ની સંખ્યાની મર્યાદામાં મૌન ધરણા પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.તેમજ શિક્ષક સંઘ દ્વારા તા.17/08/2023 થી તા.24/08/2023 સુધી તમામ શાળાઓનાં તમામ સંચાલકો,આચાર્યો, શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક તમામ કર્મચારીઓ કાળા વસ્ત્રો ધારણ કરી ફરજ બજાવશે અને પડતર માંગણીઓ અંતર્ગત “બ્લેક સપ્તાહ” કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે…





