પાલનપુર માં ડિવાઇન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલ માં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસે ‘ગ્રીન ડે સેલિબ્રેશન ડે ની ઉજવણી કરવામાં આવેલ

30 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
દર વર્ષે 28 જુલાઈના દિવસને સમગ્ર વિશ્વમાં *’વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’* તરીકે મનાવવામાં આવે છે. પાલનપુરની ડિવાઈન ટચ સ્કૂલે આ દિવસની ભવ્ય ઉજવણી કરી. પ્રકૃતિ પ્રેમી-શિક્ષણવિદ, દાદાજી શ્રી ગજેન્દ્રકુમાર જોશીના માર્ગદર્શનમાં શાળા સંચાલક શ્રી હાર્દિકભાઈ તથા સમગ્ર શિક્ષક પરિવારે વિદ્યાર્થીઓને આજના પર્યાવરણીય પ્રશ્નોની ગંભીરતા બતાવી તેમનામાં પ્રાકૃતિક સંસાધનોની સુરક્ષા વિશે જાગરૂકતા દૃઢ કરવાનો પ્રશંસનીય પ્રયત્ન કર્યો. આ દિવસે જળ, જમીન, જંગલ અને પ્રાણીઓના સંરક્ષણનું મહત્ત્વ સમજાવતા છ કાર્યાન્વિત પ્રોજેક્ટ તથા વિવિધ ઔષધીય વનસ્પતિનું પ્રદર્શન ભરવામાં આવ્યું. ગ્રીન ડે ઉજવણીના ભાગરૂપે શાળાનાં મોટાભાગનાં વિદ્યાર્થીઓએ સુંદર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી પર્યાવરણ સંબંધી જાગૃતિના સંદેશા વહેતા કર્યા. શહેરના જાણીતા ડોક્ટર શ્રી સુરેન્દ્ર ગુપ્તાએ સભાને સંબોધી આજની ઉજવણીને અનુમોદન આપી રાજીપો વ્યક્ત કર્યો. આ કાર્યક્રમમાં રિટાયર્ડ, આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ શ્રી એ. એન. ઘાસુરા, આર. એફ. ઑ. શ્રી હિતેન્દ્રસિંહ ચાવડા અને શ્રી નારાયણભાઈ બડિયાવદરા, પંજાબ નેશનલ બેંકના મેનેજર શ્રી શ્યામ તોશ્નીવાલ, શ્રી શૈલેષભાઈ પટેલ, જયેશભાઈ ઠક્કર સહિત અનેક આગેવાનોએ હાજરી આપી. જે મહાનુભાવો હાજર ન રહી શક્યા તેમણે અભિનંદન સંદેશા મોકલી શાળાની પ્રવૃત્તિઓને બિરદાવી. શ્રી ભરતભાઈ પટેલ, રશ્મિનભાઈ મેવાડા, ચિરાગભાઈ રામાવત, દિનેશભાઈ ભૂતાન, નિરંજનગિરિ ગોસ્વામી, ભારતીબહેન, દેવયાનીબહેન, પ્રજ્ઞાબહેન સહિત વિશાળ સંખ્યામાં વાલી ભાઈ બહેનોની પ્રેરક ઉપસ્થિતિ રહી. આ વાલીઓ સાથે મહેમાનો પણ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા. સમગ્ર કાર્યક્રમમાં બાળકોની સહભાગિતા જોવા મળી. લીલાં શાકભાજી અને ફળોનું વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવ્યું. ઢોલ સાથે પરંપરાગત પોશાકમાં દીકરીઓએ માથે જવારા લઈ સૌનું સ્વાગત કર્યું ત્યાંથી છેલ્લે છેક આભારવિધિ સુધી ગ્રીન, ગ્રીન, ગ્રીનનો હરિયાળો અનુભવ કરતાં સૌ છૂટાં પડ્યાં.





