BANASKANTHAGUJARATTHARAD

થરાદના મોરથલ ગામે 66 કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન કરતા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

બોક્સ.વીજળીના સબ સ્ટેશનો થકી વીજ સમસ્યા દૂર થશે: અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી*

*બોક્સ.પાણી, વીજળી અને માટી બચાવવી પડશે:અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી*

*બોક્સ.થરાદ વિસ્તારમાં બીજા 5 નવા સબ સ્ટેશન બનાવવાનું આયોજન: જેકટોના એમ. ડી. શ્રી ઉપેન્દ્ર પાંડે*

          થરાદ તાલુકાના મોરથલ ખાતે  ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી. (જેટકો) દ્વારા રૂ. 668.20 લાખના ખર્ચથી નિર્માણ પામનાર 66 કે.વી. સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, ભૂતકાળમાં વીજળીની કેવી સમસ્યાઓ હતી એ દિવસો પણ આપણે જોયા છે. આજે જેકટો પ્રોએક્ટિવ બનીને કામ કરે છે ત્યારે મોરથલ 66 કે. વી. સબ સ્ટેશન બનવાથી આ વિસ્તારની વીજ સમસ્યા દૂર થશે. તેમણે કહ્યું કે મોરથલની જેમ મલુપુર અને કમાલીમાં પણ નવા 66 કે.વી. સબ સ્ટેશન શરૂ કરવામાં આવશે. જેનાથી ભવિષ્યની વીજળીની માંગને પુરી કરી શકાશે.
અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે, આ વિસ્તારના તળાવો ભરવા માટે રાજ્ય સરકારે 1400 કરોડ રૂપિયા મંજુર કર્યા છે ત્યારે જળ સંચયના કામો કરીને આ ધરતીને પાણીદાર બનાવવી છે. જળ સંચયની જેમ માટીને બચવવાનું કામ પણ કરવું પડશે. વર્ષો પહેલાં આપણા પૂર્વજો બિનપિયત ખેતી કરતા હતા. આજે યુરિયા, ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરોના અંધાધુંધ ઉપયોગથી જમીન મૃત બની રહી છે ત્યારે ગાયના દેશી છાણ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા તેમણે ખેડૂતોને અનુરોધ કર્યો હતો. કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનથી આપણે બધાએ ભેગા મળીને ધરતીને જીવંત કરવાની મુહિમ ઉપાડવી છે.

         જેકટોના એમ. ડી. શ્રી ઉપેન્દ્ર પાંડેએ જણાવ્યું કે મોરથલ 66 કે. વી. સબ સ્ટેશન માટે 4900 ચો. મી. જમીન સંપાદન કરવામાં આવી છે. હાલ 5 ફીડરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનાથી મોરથલ, ડેડુવા, થેરવાડા, ડેડુડી, બેવટા, લુણવા, ચાંગડા, મેઘપુરા, કિયાલ સહિત આજુબાજુના 3000 જેટલાં ખેડૂતોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહેશે. આ વિસ્તારમાં બીજા 5 નવા સબ સ્ટેશન બનાવવાનું આયોજન છે. પ્રકૃતિના આશીર્વાદથી આ વિસ્તારમાં ખુબ સરળતાથી સોલાર ઉર્જા ઉત્પાદન કરી શકાય છે.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી માવજીભાઈ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી દાનાભાઇ માળી, મેવાભાઇ ખટાણા, શ્રી મદદનલાલ પટેલ, શ્રી વિનોદભાઈ પટેલ, ડૉ. કરશનભાઈ પટેલ, મુખ્ય ઈજનેરશ્રી કે.એચ. રાઠોડ, અધિક્ષક ઈજનેરશ્રી વી. પી. પરમાર, પ્રાંત અધિકારીશ્રી કે. એસ. ડાભી સહિત જેટકોના અધિકારીઓ, સરપંચશ્રીઓ અને  સારી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button