
22-જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
બાળકોની સર્જનાત્મક પ્રતિભા બહાર લાવવાનો સ્તુત્ય પ્રયાસ.
મુંદ્રા સ્થિત અદાણી પબ્લીક સ્કૂલ ખાતે સૌપ્રથમવાર અનોખુ આર્ટ એક્ઝિબીશન યોજાવામાં આવ્યું. બાળ પ્રતિભાઓની સર્જનાત્મકતા બહાર લાવવાના હેતુથી આયોજીત કાર્યક્રમમાં બાળકોએ અદભૂત કળા પ્રદર્શન કરી મંત્રમુગ્ધ કરી દીધા, ધો.1-12ના વિદ્યાર્થીઓએ ચિત્રકામ, શિલ્પકામ, ક્રાફ્ટસ, માટીકામ જેવી અનેક કળાના કામણ પાથર્યા હતા. વળી વાલીઓને પણ ક્રિએટીવીટીના પ્રદર્શન માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને આગામી સમયમાં વિવિધ સ્તરે પ્રમોટ કરવામાં આવશે.અદાણી પબ્લીક સ્કૂલ ખાતે આયોજીત આર્ટ એક્ઝિબીશનમાં બાળકોની સર્જનાત્મકતા ઉડીને આંખે વળગે તેવી હતી. 2,300 પૈકી 1,800 વિદ્યાર્થીઓએ પોતાની છૂપી પ્રતિભાનો પરિચય આબેહૂબ કળા પ્રદર્શન થકી આપ્યો. જેમાં શેડીંગ, ટાઈ & ડાઈ, ગોંદ આર્ટ, મડ આર્ટ, ગ્લાસ પેઈન્ટીંગ, ઓઈલ પેઈન્ટીંગ, વર્લી આર્ટ, ડૂડલ આર્ટ, મંડલા આર્ટ, મધુબની આર્ટ. ક્લે મોડેલીંગ, આર્ટીસ્ટીક મોડેલ, વેસ્ટમાંથી બેસ્ટ, સ્કેપ્સ, મોર્ડન આર્ટ વગેરેનો સમાવેશ થાય છે.બાળકોને પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમમાં અદાણી પોર્ટના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર રક્ષિત શાહે ખાસ ઉપસ્થિત રહી બાળકોની સર્જનાત્મકતાને બિરદાવી હતી. ઉત્કૃષ્ટ બાળ પ્રતિભાઓના ચિત્રો અદાણી ગ્રુપના વિવિધ પ્રકલ્પોમાં પ્રદર્શિત કરવામાં આવશે. એટલું જ નહી, તેઓને રાજ્યસ્તરની વિવિધ પ્રતિસ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે,વિદ્યાર્થીઓના આર્ટ એક્ઝિબીશનનો વિચાર વહેતો મુકનાર કળા શિક્ષક પાયલ પરમાર જણાવે છે કે “બાળકોમાં રહેલી સર્જનાત્મક ક્ષમતાને બહાર લાવવા સૌ પ્રથમવાર આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેનો અદભૂત પ્રતિસાદ મળતા શિક્ષકગણ તેમજ વાલીઓ ખુબ જ ખુશ છે. બાળ કલાકારોની પ્રતિભાને ઉજાગર કરતા કાર્યક્રમોનું આયોજન અમે ભવિષ્યમાં પણ કરતા રહીશું”. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય સહિત શાળાના સ્ટાફ અને આર્ટ ટીચર કરનજીત કૌરે ખાસ યોગદાન આપ્યું હતું.પબ્લીક સ્કૂલમાં સૌપ્રથમવાર આયોજીત આવા કાર્યક્રમમાં વાલીઓ તેમજ આગેવાનોએ ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. બાળકોની રુચિ અને ઉત્સાહ જોઈ શાળામાં આ પ્રકારના કાર્યક્રમો અવારનવાર આયોજીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.2001માં સ્થાપિત અદાણી પબ્લીક સ્કૂલમાં વિદ્યાર્થીઓને મજબૂત નિર્ણયો, સર્જનાત્મક ઉકેલો શોધવા અને અસરકારક વ્યૂહરચનાઓના સશક્ત આયોજન માટે ખાસ પ્રશિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા ઉજાગર કરવા અભ્યાસક્રમ સિવાય પણ પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવે છે. આધુનિક વ્યવહારુ અભિગમનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને વિવિધ પદ્ધતિઓથી શિખવવામાં આવે છે.








