DANG

ડાંગ: નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રીના હસ્તે પ્લેટિનમ પ્રમાણપત્ર સ્વિકારતા ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ૬ જિલ્લાઓ ‘ભૂમિ સન્માન’ એવોર્ડથી સન્માનિત : ડાંગ જિલ્લાને પણ મળ્યું સન્માન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહેસૂલના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ‘ભૂમિ સન્માન એવોર્ડ’ માટે ગુજરાતના ૩ આદિજાતિ જિલ્લા સહિત કુલ ૬ જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિશ્રીના હસ્તે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના આ ૬ જિલ્લાઓને ‘ભૂમિ સન્માન-પ્લેટિનમ સર્ટિફિકેટ’ એનાયત કરાયા હતા. જેના માટે ડાંગ જિલ્લો પણ સદભાગી થયો છે.

વડાપ્રધાનશ્રીએ સરકારી યોજનાના લાભથી છેવાડાનો કોઈ પણ નાગરિક વંચિત ન રહે તે માટે વર્ષ ૨૦૨૨ના બજેટ પછી યોજાયેલા વેબિનાર મારફતે ખાસ તાકીદ કરી હતી. ઉપરાંત, ૩ જુલાઈ ૨૦૨૩ના રોજ મંત્રી પરિષદની બેઠકમાં પણ, પ્રધાનમંત્રીશ્રીએ યોજનાના તમામ ઘટકોના ૧૦૦ ટકા સેચ્યુરેશન માટે આહવાન કર્યું હતું. તેના ભાગરૂપે ડિજિટલ ટેકનોલૉજીના ઉપયોગથી જમીનના રેકોર્ડ્સની આધુનિક, સર્વગ્રાહી અને પારદર્શક સિસ્ટમ બનાવવામાં આવી છે. રાષ્ટ્રપતિશ્રી દ્વારા પણ લોકસુખાકારીની સ્કીમથી એક પણ નાગરિક તેનાથી વંચિત ન રહી જાય તેના પર ભાર મૂકવા સૂચન કરવામાં આવ્યું છે.

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આ દિશામાં અમલી કાર્યક્રમ ‘ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ’-DILRMP હેઠળ, રાજ્યમાં મહેસૂલી સેવાઓને ઓનલાઈન, અદ્યતન તથા પારદર્શક બનાવવા અંગે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત કેન્દ્ર સરકારના નિર્ધારિત માપદંડો મુજબ સફળતાપૂર્વક કામગીરી કરવા અંગે તમામ ૬ કેટેગરીમાં સૌથી ઉચ્ચ-પ્લેટિનમ સર્ટિફિકેટ એવોર્ડ માટે રાજ્યના ૬ જિલ્લા ડાંગ, અરવલ્લી, જામનગર, મહેસાણા, નર્મદા, અને સાબરકાંઠા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રેકર્ડ ડિજિટાઇઝેશન દ્વારા ડિજિટલ ઇન્ડિયા મૂવમેન્ટ માટે કરેલા આહવાનને ગુજરાતે ઝીલી લીધું છે.

ડાંગ જિલ્લાને પ્રાપ્ત થયેલા આ સન્માનનો પ્રત્યુત્તર પાઠવતા કલેકટર શ્રી મહેશ પટેલે, ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ-DILRMP યોજના હેઠળ, રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓ ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે તેમ જણાવી, મિલકત સંબંધી લેવડ-દેવડના દસ્તાવેજ નોંધણીની કામગીરી પણ કમ્પ્યૂટરાઈઝ્ડ કરવામાં આવી છે તેમ કહ્યું હતું.

મહેસુલી સેવાઓમાં પારદર્શિતા જાળવવાના હેતુથી તમામ રેકોર્ડ અદ્યતન અને ડિજિટાઈઝ્ડ કરી પોર્ટલ પર મૂકવામાં આવ્યા છે. તેમ જણાવતા કલેક્ટરશ્રીએ, DILRMP યોજનાના કુલ છ અંગભૂત ઘટકો (૧) કમ્પ્યુટરાઈઝેશન ઓફ લેન્ડ રેકોર્ડ્સ (RoR), (૨) ડિજિટલ ઓફ કેડસ્ટ્રલ મેપ્સ/FMBs, (૩) લીન્કેજીસ ઓફ RoR વિથ કેડસ્ટ્રલ મેપ્સ, (૪) કમ્પ્યુટરાઈઝેશન ઑફ રજિસ્ટ્રેશન, (૫) ઇન્ટીગ્રેશન ઑફ રજિસ્ટ્રેશન (SRO) વિથ લેન્ડ રેકોર્ડ્સ (રેવન્યુ ઓફિસ), અને (૬) મોર્ડન રેકોર્ડ રૂમની છણાવટ કરતા, આ બધા જ ઘટકોમાં ૯૯ ટકા કે તેથી વધુ સફળતાપૂર્વક કામગીરી કરનાર રાજ્યને પ્લેટિનમ સર્ટિફિકેટ, ૯૫ ટકાથી ૯૯ ટકા સુધી સફળતાપૂર્વક કામગીરી પાર પાડનાર રાજ્યોને ગોલ્ડ સર્ટિફિકેટ, તથા ૯૦ ટકાથી ૯૫ ટકા સુધી સફળતાપૂર્વક કામગીરી કરનારા રાજ્યોને સિલ્વર સર્ટિફિકેટ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમ ઉમેર્યું હતું.

ગુજરાતના છ જિલ્લાઓને DILRMPના બધા જ ૬ ઘટકોમાં ૯૯ ટકાથી વધુ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્લેટિનમ સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યાં છે. જેમાં ડાંગ જિલ્લાનો પણ સમાવેશ થયો છે. જે બદલ સમગ્ર મહેસુલી ટિમ ઉપરાંત ભૂતપૂર્વ કલેક્ટરશ્રીઓને પણ શ્રી મહેશ પટેલે અભિનંદન પાઠવ્યા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button