
વાત્સલ્યમ્ સમાચાર
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના 17 વર્ષિય વર અને મહિસાગર જિલ્લાની સીમલીયા ગામની કન્યાના લગ્ન મેં માસમાં કરવામાં આવ્યા હતા જોકે વર પક્ષ પાસેથી 55હજાર દહેજ પેટે લેનાર પિતાએજ બાળ લગ્નનો ભાંડો ફોડી નાખ્યો હતો. તપાસના અંતે સમાજ સુરક્ષા અધિકારીની ફરિયાદના આધારે વર અને કન્યાના માતા-પિતા સામે ગુનો નોંધી ફતેપુરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લામાં બાળલગ્ન પ્રતિબન્ધક ધારા હેઠળ પ્રથમ ગનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામના તિખી ફળિયાના નાથુભાઈ ઉર્ફે પુંજાભાઇ મહિડા ના 17 વર્ષીય પુત્ર અને મહીસાગર જિલ્લાના સીમળીયા ગામના મૂળ વતની અને હાલ દાહોદ શહેર ગોવિંદનગર ની ગીત
નંદન સોસાયટીમાં રહેતા કમલેશભાઈ મીઠાભાઈ પારગી ની 17 વર્ષીય પુત્રીના લગ્ન 9 મે 2023 ના રોજ થયા હતા વર પક્ષે નક્કી થયા મુજબ કન્યા પક્ષને 55હજાર દહેજ પેટે પણ આપ્યા હતા. જો કે કોઈ કારણસર કમલેશભાઈ પારગી દ્વારા પોતાની પુત્રીના બાળ લગ્ન થયા હોવાની અરજી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને કરવામાં આવી હતી. ત્યારે ટીમ દ્વારા તપાસ કરતા લગ્નની કંકોત્રી અને ફોટા પણ મળી આવ્યા હતા. લગ્ન સમાજના રીતી રિવાજ મુજબ પ્રસ્થાપિત થયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ મામલે સમાજ સુરક્ષા અધિકારીએ મોટીરેલ પૂર્વ ગામે રહેતા નાથુભાઈ ઉર્ફે પુંજાભાઈ ઝાલાભાઇ મહીડા અને માતા ગીતાબેન નાથુભાઈ મહિડા તેમજ કન્યાના પિતા કમલેશભાઈ પારગી અને માતા રેખાબેન પારગી સામે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વર અને કન્યાના માતા પિતા સામે બાળ લગ્ન પ્રતિબંધક કાયદા અધિનિયમ 10,11, દહેજ પ્રતિબંધક અધિનિયમ 3,4, ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.