
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના ૦ થી ૨૦ નો BPL સ્કોર ધરાવતા આદિજાતિના લાભાર્થીઓ સહિત FRA ના લાભાર્થી, તથા આદિમજૂથના ખેડૂત લાભાર્થીઓને આદિજાતિ વિકાસ વિભાગની ‘કૃષિ વૈવિધ્યકરણ યોજના’ અંતર્ગત કૃષિ કીટનું વિતરણ કરાયું હતું.
ઓનલાઇન પ્રક્રિયાથી પસંદ કરાયેલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં અગ્રેસર થવાની હાંકલ કરતાં, ગુજરાત વિધાન સભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે, ખેડૂતોની આવક બમણી કરવાના રાજ્ય સરકારના ઉદ્દેશની પૂર્તિ માટે સૌને સહિયારા પ્રયાસોની હિમાયત કરી હતી.
<span;>જિલ્લાના તાલુકાઓમાં ખેડૂતોને લાભાન્વિત કરવાની હિમાયત કરતાં નાયબ દંડકશ્રીએ પારદર્શક પસંદગી પ્રક્રિયાનો લાભ લઈને ખેડૂતો કૃષિમાં વૈવિધ્ય લાવે તે આવશ્યક છે તેમ જણાવ્યુ હતું.
અધિકારી, પદાધિકારીઓ, અને લાભાર્થીઓને સહિયારા પ્રયત્નો થકી કૃષિ વિકાસ કરવાની અપીલ કરતા શ્રી વિજયભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિ કીટનો સદઉપયોગ કરવાની શીખ આપી હતી.
પ્રાકૃતિક કૃષિ અને દેશી ગાયના ઉછેર સાથે કૃષિ સન્માન નિધિનો ખ્યાલ આપતા શ્રી પટેલે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો ખ્યાલ આપી, ખેડૂતોને આપવામાં આવેલી કૃષિ કીટના ઉપયોગ થકી કૃષિ વિકાસ કરવાની પણ હિમાયત કરી હતી.
પ્રાકૃતિક જિલ્લાનું બહુમાન પ્રાપ્ત કરનારા ડાંગ જિલ્લાના ખેડૂતોને રાસાયણિક ખાતરને તિલાંજલિ આપવાની અપીલ કરતાં ખેડૂતોને સેદ્રિય ખાતરનો જ ઉપયોગ કરવાની સમજ કેળવવાની હાંકલ કરી હતી.
ડાંગના મહેનતકશ ખેડૂતોને જળ સંરક્ષણ સાથે પ્રાકૃતિક જિલ્લાના આપેલા ગૌરવને બરકરાર રાખવાની હિમાયત કરતા ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલે, રાજ્ય સરકારના તમામ વિભાગો, સમગ્ર વહીવટી તંત્ર ખેડૂતોના હિત માટે હંમેશા હકારાત્મક વલણ સાથે કાર્ય કરી રહ્યા છે, ત્યારે કૃષિ વિકાસ સાધવાની ઉપલબ્ધ તકોનો લાભ લેવાની અપીલ કરી હતી.
આદિજાતિ વિભાગની ‘વનબંધુ કલ્યાણ’ યોજનામાં સમાવિષ્ટ ‘કૃષિ વૈવિધ્યકરણ યોજના-૨૦૨૩-૨૪’ નો મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત જિલ્લાના કુલ- ૧૭૫૩ લાભાર્થીઓને આવરી લેવાનો લક્ષ્ય નિર્ધાર કરાયો છે.
આ લાભાર્થીઓને ઉચ્ચ ગુણવત્તા વાળા બિયારણો જેવા કે તુવેર, નાગલી, સાથે અનુરૂપ સેંદ્રિય ખાતર પૂરું પાડવામાં આવે છે. આ કીટના ઉપયોગથી ખેડૂતો તેમની આવક બમણી કરવા સાથે ખેતી પ્રક્રિયામાં ઉમેરો કરી જમીનની ઉત્પાદન શક્તિમાં વધારો કરી શકશે, તેમ સ્વાગત અને પ્રારંભિક વ્યકતવ્યમાં પ્રાયોજના વહીવટદાર શ્રી રાજ સુથારે જણાવ્યુ હતું.
બાગાયત જમીન અને પાણીની જાળવણી, ખેતીમાં વિવિધતા, પાકની લણણી બાદનું સંચાલન તાલીમ અને સમતામાં વધારો કરી શકાશે તેમ પણ શ્રી સુથારે ઉમેર્યું હતું.
જિલ્લા સેવા સદન ખાતે આયોજિત આ શુભારંભ સમારોહમાં આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, આદિજાતિ વિકાસ અધિકારી શ્રી રણજીત કનુજા સહિત યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.








