
ભુજ: પોર્ટના કર્મચારીઓ દ્વારા ધંધો કરવા માટે હપ્તાની માંગણી કરવામાં આવે છે અને માંગણી ન સંતોષાય તો ધંધાના સ્થળ પર બુલડોઝર ફેરવવાની ધમકી આપવામાં આવે છે તેવા આક્ષેપ સાથે દીન દયાળ પોર્ટ ઓથોરિટી કંડલા સમક્ષ રજુઆત કરવામાં આવી છે. જુના અને નવા કંડલા પોર્ટ વિસ્તારમાં નાના ધંધાર્થીઓએ પોર્ટ પ્રશાસન, પોલીસ પ્રશાસન દ્વારા તેમને બળજબરીપૂર્વક હટાવવા માટે આગ્રહ રાખવામાં આવે છે.
ધંધાર્થીઓએ જણાવ્યું હતુ કે, જયારથી પોર્ટની સ્થાપના થઈ છે ત્યારથી લારી ગલ્લાવાળાઓ ધંધો કરીને ડ્રાઈવર કલીનર જેવા નાના નાના લોકોને ચાય નાસ્તા પુરો પાડે છે પરંતુ પોર્ટ પ્રશાસન દ્વારા યેન કેન પ્રકારે તેમને હટાવવા માટે આગ્રહ રાખવામાં આવે છે. તેમની પાસેથી ધંધો કરવા માટે હપ્તાની પણ માંગણી કરવામાં આવે છે. જો આવી માંગણી ન સંતોષે તો બુલડોઝર ફેરવવાની ધમકી આપે છે. કોંગ્રેસના ભરતભાઈ સોલંકીએ વધુમાં જણાવેલ કે, આ ધંધાર્થીઓને તેમના ધંધા માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે અને આંશિક ભાડુ વસુલી તેમને આઈકાર્ડ બનાવી આપવામાં આવે.








