ડાંગ: શેપુઆંબા પંચાયતનાં ભ્રષ્ટાચાર અંગે ડાંગ કૉંગ્રેસ યુવક પ્રમુખે ગુજરાત તકેદારી વિભાગમાં ફરીયાદ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર માહિતી અધિકાર અધિનિયમ 2005 અન્વયે ડાંગ જિલ્લા કોંગ્રેસ યુવા પ્રમુખ રાકેશ પવાર દ્વારા ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ શેપુઆંબા ગ્રુપ ગ્રામ પંચાયતનાં વિકાસકીય કામો બાબતે અરજી કરવામાં આવેલ હતી.તારીખ 28/4/ 2023 ના રોજ માહિતી અધિકારી અને તલાટી કમ મંત્રી દ્વારા અરજદારને પોસ્ટ મારફતે અધૂરી અને ગેરમાર્ગે દોરે તેવી માહિતી મોકલેલ હતી.અરજદાર રાકેશ પવાર દ્વારા માહિતી નિરીક્ષણ કરતા જાણવા મળેલ કે સરપંચની ડુપ્લીકેટ સહીઓ કરીને વ્યવહારો કરવામાં આવ્યા છે.ત્યાર બાદ અરજદાર રાકેશ પવાર દ્વારા 10/5/2023 ના રોજ તાલુકા વિકાસ અધિકારી સુબીર અને જિલ્લા વિકાસ અધિકારી ડાંગને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.જેના પ્રત્યુત્તર રૂપે નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તપાસનો હુકમ કરવામાં આવ્યો હતો.પરંતુ આજ દિન સુધી તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કે પગલાં ભરવામાં ના આવતા અરજદાર ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશભાઈ પવાર દ્વારા વિજિલન્સ તપાસની ફરિયાદ કરવામાં આવી છે.અરજદાર રાકેશ પવાર દ્વારા ગુજરાત તકેદારી વિભાગ ગાંધીનગરને લેખિત ફરિયાદ કરતા જણાવ્યુ છે કે શેપુઆંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ખોટી સહીઓ કરીને નાણાંની હેરફેર કરવામાં આવી રહી છે.અને સરકારી રૂપિયાનો દૂર વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.તાલુકા વિકાસ અધિકારી પણ કોઈ પગલાં ભરતા નથી.તાલુકા વિકાસ અધિકારી આ બનાવ ઉપર પડદો નાખી રહ્યા છે.ઉપરાંત તલાટી દ્વારા માહિતી છુપાવી રાખવામાં આવી છે.આમ ગુજરાત તકેદારી આયોગ દ્વારા તપાસ કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરતા સુબિર તાલુકાની ગ્રુપ ગ્રામ પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો છે..