
17-મે
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
બાર દિવસ ચાલનારા પ્રશિક્ષણ વર્ગમાં 64 વિદ્યાસાધકો સંવાદ દ્વારા મેળવશે જ્ઞાન
ગુરુજનોએ વિદ્યાર્થીઓના ગુણને બદલે સદગુણોને જોઈને ગુણાંકન કરવું જોઈએ : એડિશનલ સિવિલ જજ પ્રદીપભાઈ સોની
વિદ્યાભારતી વિદ્યાલયો જીવન ઘડતર કરતા સામાજિક ચેતનાના કેન્દ્રો : ડો.કેશુભાઈ મોરસાણિયા
મુન્દ્રા કચ્છ :- તાજેતરમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન અને નિવેદીતા કેળવણી ટ્રસ્ટ મુન્દ્રા સંચાલિત બારોઇ ખાતે આવેલી સરસ્વતી વિદ્યામંદિરમાં વિદ્યાભારતી આચાર્ય પ્રશિક્ષણ વર્ગને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લુ મુકતા મુન્દ્રાના એડિશનલ સિવિલ જજ પ્રદીપભાઈ સોનીએ જણાવ્યું હતું કે અનેક દ્રષ્ટિકોણથી કેસને ચકાસીને પછી જ જજમેન્ટ અપાય છે એવી રીતે ગુરુજનોએ પણ વિદ્યાર્થીઓના માત્ર ગુણને ન જોતા સદગુણોને જોઈને ગુણાંકન કરવું જોઈએ એમ જણાવી વિદ્યાભારતીની શિક્ષણ પદ્ધતિના વખાણ કરી નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ પ્રમાણે સજ્જતા કેળવતા આચાર્યોને શબ્દોથી પોંખ્યા હતા. સાદગી, સ્વચ્છતા અને સંસ્કારની સાથે ભારતીય જીવન મૂલ્યોને પ્રતિબિંબિત કરતા શાળા પરિસરમાં આવેલા પાણીના પરબનું શ્રીફળ વધેરીને જજશ્રી સોનીએ ભારતીય શૈલીથી ઉદ્ઘાટન કર્યું હતું.બાર દિવસ ચાલનારા પ્રશિક્ષણ વર્ગમાં કચ્છ સંભાગના 15 સ્થાનોના 44 આચાર્યો અને 20 પ્રબંધક શિક્ષકો મળીને 64 વિદ્યાસાધકો સંવાદ દ્વારા જ્ઞાન મેળવશે એવી માહિતી આપતા વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ડો. કેશુભાઈ મોરસાણિયાએ જણાવ્યું હતું કે વિદ્યાભારતીના વિદ્યાલયો માત્ર શાળા જ નહીં પણ ભારતીય વિચારથી વાલી અને વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરતા સામાજિક ચેતનાના કેન્દ્રો પણ છે.પ્રારંભમાં કેન્દ્રના સંયોજિકા ચૈતાલીબેન ભટ્ટે વહેલી સવારે 4:30થી રાત્રિના 10 સુધી ચાલનારા પ્રશિક્ષણ વર્ગોની દિનચર્યાના વૈવિધ્યપૂર્ણ સત્રોની સમજ આપી હતી.બાર દિવસીય નિવાસી અભ્યાસ વર્ગમાં ગુજરાત પ્રાંત સંગઠનમંત્રી મહેશજી પતંગે, ધર્મેશભાઈ જોષી, ડો.મેહુલભાઈ શાહ, અરૂણભાઇ ભીંડે, ભરતભાઇ ધોકાઈ, હિંમતસિંહજી વસણ, રાજેશભાઈ સોરઠીયા, આશાનંદભાઈ ગઢવી, રાજુભાઈ ત્રિવેદી સહિતના તજજ્ઞો વિવિધ વિષયોને આવરી લઈ સમયાંતરે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક માર્ગદર્શન આપી આચાર્યો સાથે સાર્થક સંવાદ કરશે એવી જાણકારી સહસંયોજક નારાણભાઈ ઓઢણાએ આપી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહાપ્રબંધક ધર્મિષ્ઠાબેન પટેલ, નિર્મળાબેન ગઢવી, જીગ્નેશભાઈ અબોટી સહિત સમગ્ર વિદ્યાલય પરિવારનો સહયોગ સાંપડી રહ્યો છે એવું પ્રશિક્ષણ વર્ગના માર્ગદર્શક ડો. કેશુભાઈ મોરસાણિયાએ એક યાદીમાં જણાવ્યું હતું.








