
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ | ડાંગ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી ૩૫ કિલોમીટરના અંતરે આવેલા અંતરિયાળ ઝરણ ગામના બુઝુર્ગ શ્રી નવસુભાઈ ઝિમનભાઇ કુરકુટિયાના વીજ ટ્રાન્સફોર્મર બદલવાના પ્રશ્નનો ઘર આંગણે જ સુખદ નિકાલ થતાં તેમના પરિવારે તેમને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ ફળ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્યભરમાં યોજાઇ રહેલા ‘સ્વાગત સપ્તાહ’ કાર્યક્રમોની શૃંખલાનો એક કાર્યક્રમ એવો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીના સરહદી વિસ્તારના સુબીર તાલુકા મથકે યોજાયો હતો. જેમાં ઝરણ ગામે વીજ ટ્રાન્સફોર્મર બદલવાનો પ્રશ્ન, જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ સમક્ષ રજૂ થયો હતો. જેમાં ગત દિવસોમાં થયેલા કમોસમી વરસાદ, વાવાઝોડા, અને આકાશી વીજળી પડવાને કારણે, ઝરણ ગામના વડીલ શ્રી નવસુભાઈ ઝિમનભાઇ કુરકુટિયાના ખેતરે જતો વીજ પ્રવાહ અવરોધાયો હતો. તપાસાંતે અહીનું વીજ ટ્રાન્સફોર્મર ઊડી ગયેલું માલૂમ પડ્યું હતું.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીને લગતો આ પ્રશ્ન તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થતાં કલેક્ટર શ્રી મહેશ પટેલે રાજ્ય સરકાર પ્રજાપ્રશ્ને ખૂબ જ સંવેદનશીલ હોઈ, આ પ્રશ્નના નિરાકરણની દિશામાં કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી હતી. જે ધ્યાને લેતા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અરજદારનું વીજ ટ્રાન્સફોર્મર તુરત જ બદલી આપતા, પરિવારજનોએ તંત્ર અને સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
અરજદારના પુત્ર શ્રી સંદીપ કુરકુટિયાએ એક મુલાકાતમાં જણાવ્યુ હતું કે, સુબીર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કલેક્ટર સાહેબે જો અમારા આ પ્રશ્નનો નિકાલ ન કર્યો હોત, તો અમારે છેક આહવા સુધી અરજી લઈને ધક્કા ખાવા પડ્યા હોત. પરંતુ આવો કાર્યક્રમ અમારા તાલુકામાં યોજાયો જેથી અમે ઘરબેઠા જ પ્રશ્નનું નિરાકરણ મેળવી શક્યા છીએ.
નાયબ ઇજનેર શ્રી વિજય પટેલના જણાવ્યા અનુસાર ઝરણ ઉપરાંત નિશાણા ગામના ભિલકીબેન કુવરના પણ આવા જ એક પ્રશ્નનું ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં સુખદ નિરાકરણ આવવા પામ્યું છે.
લોકપ્રશ્નોના નિસ્ઠાપૂર્વક નિરાકરણ માટેના ‘સ્વાગત’ કાર્યક્રમને વીસ વર્ષ પૂર્ણ થયા છે. તેમ જણાવતા કલેક્ટર શ્રી મહેશ પટેલે પ્રજાજનોને રાજ્ય સરકારના સુશાસનનો અહેસાસ કરાવતો આ કાર્યક્રમ ‘યુએન પબ્લિક સર્વિસ એવોર્ડ’ થી પણ પુરસ્કૃત થવા પામ્યો છે, તેમ જણાવ્યુ હતું.