
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ઉનાળાની સિઝનમા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા પીવાના પાણીની સંભવિત સ્થિતિનુ આકલન કરીને સુચારૂ આયોજન ધરી કાઢવાની હિમાયત કરતાં, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં વાહન ચોરી જેવા બનાવોમાં પણ કડક કાર્યવાહી હાથ ધરવાની હિમાયત કરી હતી.
પ્રમુખશ્રીએ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગની ગત વર્ષની બચત ગ્રાન્ટમાથી વિકાસ કામોનું આયોજન સત્વરે કરીએ તેમ જણાવી, વઘઇ આઇ.ટી.આઇ. ના વિદ્યાર્થીઓઓની બેઠક વ્યવસ્થા માટે પણ સકારાત્મક અભિગમની અપીલ કરી હતી.ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે પ્રમુખશ્રીના પ્રશ્ને સંબંધિત અધિકારીઓને સત્વરે આ બાબતોમાં નિરાકરણ લાવવાની હિમાયત કરી હતી.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લાના ઉચ્ચાધિકારીઓને તેમની કચેરીના કાયમી અધિકારી તથા કર્મચારીઓ ફરિજિયાત તેમનું ઓળખપત્ર સાથે રાખે તે આવશ્યક છે તેમ જણાવ્યુ હતું. કલેક્ટરશ્રીએ સ્વાગત સપ્તા, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, અમ્રુત સરોવરની કામગીરી સહિત જાતિ/આવકના દાખલાઓ, દરેક કચેરી/વિભાગમાં આવતા નવા ઠરાવ જી.આર. અને યોજનાઓનું વાંચન અને સંબધિત ક્ચેરીઓની યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય તે સુનિશ્ચિત કરવાની હિમાયત કરી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ તેમની નિયુક્તિ બાદની પ્રથમ સંકલન સમિતિમાં જિલ્લાની તમામ સરકારી/અર્ધ સરકારી ક્ચેરીઓના વીજ, પાણી, ટેલિફોન, લાઇટ, પંખા, એ.સી.જેવા રિસોર્શિસનો દૂર ઉપયોગ ન થાય તે જોવાની તાકીદ કરી હતી.
ક્લેક્ટરશ્રીએ જુદી જુદી ક્ચેરીઓની આકસ્મિક મુલાકાત કરાશે તેમ પણ આ વેળા કહ્યું હતું.
સરકારી વાહનોના વીમા, પી.યુ.સી. અને ચાલકોના લાયસન્સ સહિતના પૂરા દસ્તાવેજો રાખવાની પણ તાકીદ કરી હતી. કંડમ કરવાપાત્ર વાહનોનો સત્વરે નિકાલ થાય તે તજરૂરી છે તેમ પણ તેમણે કહ્યું હતું.
ઓડિટના બાકી પેરા, સરકારી વસૂલાત, બાકી પેન્શન કેસ, ફાઇલ વર્ગીકરણ, તુમાર નિકાલ, સ્વચ્છ ભારત મિશન, આર.ટી.આઇ. અને નાગરીક અધિકાર પત્રની અરજીઓનો નિકાલ, ગ્રામસભાના પ્રશ્નો, સ્વાગત કાર્યક્રમની અરજીઓ જેવા મુદ્દાઓની પણ વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.
બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગાવિતે તમામ સંકલન અધિકારીઓને ઉપયોગી જાણકારી પૂરી પાડી હતી.
બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષણ શ્રી રવિ પ્રસાદ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબિયાડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ચૌધરી, ઉચ્ચ/વરીસ્ઠ અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.