
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવારે પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામુ ધરી દેતા જિલ્લાનાં રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે….
ગત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ રેકોર્ડ તોડીને વિક્રમ તો સર્જી દીધો.પરંતુ કહેવાય છે ને કે જેટલા ઝાઝા પક્ષ પલટુ નેતાઓ ભેગા થાય એટલો જ કજીયો પાર્ટીમાં વધારે થાય છે.આમ તો કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ શિસ્ત બેઝ અને કેડર બેઝ પાર્ટી ગણાય છે.પરંતુ અંદરો અંદર ડખ્ખા ચાલ્યા કરે છે.એક સારી વાત એ કહી શકાય કે ભાજપામાં હાઈકમાન્ડનો આદેશ શિરોમાન્ય રાખવો પડે છે.રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી પણ ભાજપનાં સંગઠનમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે.અમુક જિલ્લાઓમાં પાર્ટી સંગઠનનાં પ્રમુખો સ્વૈચ્છિક રાજીનામા આપી રહ્યા છે.ત્યારે દક્ષિણ ગુજરાતનાં છેવાડેનાં ડાંગ જિલ્લામાં વધુ એક રાજીનામુ પડ્યુ છે.ડાંગ જિલ્લામાં ભાજપા પાર્ટીને ઉભી કરનાર અને પાર્ટી માટે મહત્વનું યોગદાન આપનાર ડાંગ જિલ્લા ભાજપ પાર્ટી પ્રમુખ દશરથ પવારે પોતાનુ રાજીનામુ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને સંબોધીને ધરી દીધુ છે.ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના લેટરપેડ પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપવા જણાવ્યુ છે.જો કે છેલ્લા ઘણા દિવસોથી ડાંગ ભાજપી આગેવાનોમાં પ્રમુખ પ્રત્યે નારાજગી જોવા મળી હતી.ડાંગ ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણને લઈ ડાંગ જિલ્લા પ્રમુખે રાજીનામુ આપી દીધુ છે.થોડા દિવસ પૂર્વે ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવારે ડાંગ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તકની સીઝનલ હોસ્ટલોમાં ભૂતિયા વિદ્યાર્થીઓ,પ્રાયોજના વહીવટદારની કચેરીમાંથી ખેડૂતોને આંબાની કલમો તથા એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલોમાં ગણવેશનાં નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો કરી હતી.તથા આ ફરીયાદોનાં બાબતે કોર્ટમાં પણ જવાની ચીમકી ઉચ્ચારી હતી.રાજ્યની ડબલ એન્જીન સરકારમાં શાસક પક્ષનાં જ પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવારે બે ત્રણ વ્યક્તિઓ સાથે મળી ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોરચો ઉપાડતા અન્ય ભાજપાનાં આગેવાનોને કણીની જેમ ખૂંચવા લાગ્યા હતા.સૂત્રોનાં જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લા ભાજપા સંગઠનનાં પ્રમુખ દશરથભાઈ પવાર સરકાર વિરુદ્ધમાં કામગીરી કરતા હોવાની ફરિયાદો લઈ અમુક આગેવાનો ગાંધીનગર તથા પ્રદેશ પાર્ટી પ્રમુખ સુધી પોહચી ગયા હતા.ત્યારે ડાંગ જિલ્લાનાં પાયાનાં કાર્યકર અને સંગઠનનાં મહારથી એવા દશરથભાઈ પવારે સ્વૈચ્છિક રાજીનામુ ધરી દીધુ કે પછી દબાણમાં રાજીનામુ આપવુ પડયુ છે.જે અંગેની ચર્ચા સાથે જિલ્લાનાં રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે.તેવામાં હવે ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી સંગઠનમાં પ્રમુખ કોણ હશે.કેટલાક ભાજપાનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે કે ડાંગ જિલ્લામાંથી ભાજપા સંગઠનમાંથી દશરથભાઈ પવારે રાજીનામુ ધરી દીધુ છે.તેવા સમયે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ડાંગ ભાજપાનાં દિગગજ નેતાઓમાં માજી બાંધકામ અધ્યક્ષ અને તાલુકા સદસ્ય સુરેશભાઈ ચૌધરી, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્યમાં બાબુરાવભાઈ ચૌર્યા,સુભાસભાઈ ગાઈન,કિશોરભાઈ ગાવીત, હરિરામભાઈ સાંવત,વઘઇ તાલુકા સંગઠનનાં પ્રમુખ દિનેશભાઈ ભોયે નાં નામ પર મ્હોર મારશે કે કોઈ ચર્ચામાં નામ ન હોય તેવાને પ્રમુખ પદનો ભાર સોંપશે જે સમય જ બતાવશે…