
[ભાગ-5]
વાદીના સાક્ષી શાસ્ત્રી હરિજીવનદાસે કહ્યું : “સત્સંગિજીવન પ્રકરણ 4 અધ્યાય 24, શ્લોક -10 થી 24માં શ્રીજીમહારાજે કહ્યું છે કે ‘1. મનુષ્યોના કલ્યાણ માટે પ્રતિમાઓ પધરાવવા મંદિરો બાંધવાં. મૂર્તિઓની સેવા કરવાથી સર્વનું શ્રેય થશે. 2. ભક્તિમાર્ગમાં આગળ વધવા મંત્રદીક્ષા જરુરી છે, તે માટે આચાર્યને સ્થાપવા. 3. સંપ્રદાયનો સિદ્ધાંત સમજવા માટે શતાનંદમુનિ સત્સંગિજીવન ગ્રંથ રચશે.’ આ ત્રણ સંકલ્પો કરેલા છે. તેથી શ્રીજીમહારાજે તેમની હયાતીમાં અમદાવાદ/ ભૂજ/ વડતાળ/ ધોલેરા/ ગઢડા/ જૂનાગઢમાં શિખરબંધી મંદિરો બંધાવેલા. તેમાં નરનારાયણ/ લક્ષ્મીનારાયણ/ રાધાકૃષ્ણ/ રાધારમણ/ મદનમોહનની મૂર્તિઓ મૂકી; જે બધી મૂર્તિઓ કૃષ્ણના સ્વરૂપની છે. બોચાસણમાં અક્ષરપુરુષોત્તમનું મંદિર બાંધ્યુ છે, અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી અને પુરુષોત્તમ એટલે શ્રીજીમહારાજ, એમ બોચાસણવાસી કહે છે. ધ્યાન કરવા અંગે શિક્ષાપત્રી શ્લોક-115માં કહ્યુ છે કે કૃષ્ણ, કૃષ્ણના અવતાર અને તેમનું મૂર્તિઓનું ધ્યાન કરવું. કોઈ માણસ કે રાજાનું ધ્યાન કરવું નહીં. ભક્તો કે બ્રહ્મજ્ઞાનીનું પણ ધ્યાન કરવું નહીં. શ્રીજી મહારાજ કૃષ્ણના અવતાર છે તેમ શિક્ષાપત્રી/ સત્સંગિજીવન/ વચનામૃતમાં જણાવેલું છે. જનમંગળસ્ત્રોતમાં 108 નામ છે, તેમાં 49મું નામ ‘સ્વામિનારાયણ’ નામ છે. સર્વમંગળસ્ત્રોતમાં 1000 નામ છે, તેમાં 394મું નામ ‘સ્વામિનારાયણ’ છે. સ્વામી એટલે જગતના નિયંતા અને નારાયણ એટલે સર્વ જગતની અંદર બહાર વ્યાપીને રહેલા એવો અર્થ છે. સ્વામી અને નારાયણ જુદા નહીં, પણ એક જ. સ્વામી એટલે ગુણાતીતાનંદ એવો અર્થ કોઈ જગ્યાએ કર્યો નથી. બોચાસણવાળા સ્વામીનો અર્થ એવો કરે છે કે સ્વામી એટલે ગુણાતીતાનંદ અને નારાયણ એટલે શ્રીજીમહારાજ. આવો અર્થ અમારા ધર્મના કોઈ પુસ્તકમાં કરવામાં આવ્યો નથી. ગુણાતીતાનંદ એ એક સાધુ હતા, સાધુને નારાયણ સાથે મૂકી શકાય નહીં. અમારા ઈષ્ટદેવની સાથે મૂકવાથી અમારી લાગણી દુ:ખાય છે.”
“ગુણાતીતાનંદની વાતો મેં વાંચી છે. તેમાં કૃષ્ણને એક સાધારણ માણસ જેવા વર્ણવ્યા છે. અક્ષર સૌથી મોટો છે એમ વર્ણવેલું છે. અવતારોને તેમાં ભગવાન કહેતા નથી. તેઓ બ્રહ્માંડમાં જ રહે છે અને તેઓ માયા થકી પર નથી એટલે તેમનું કલ્યાણ થતું નથી એમ કહેલું છે. ગુણાતીતાનંદે જાગા અને પ્રાગા ભક્તને જ્ઞાન આપેલું અને તેણે યજ્ઞપુરુષોત્તમદાસને જ્ઞાન આપ્યું. આવી રીતે બોચાસણવાળા તેમનો સંપ્રદાય ચલાવે છે. અમારા સંપ્રદાયમાં ‘શ્રીકૃષ્ણદેવં શરણં’ એવો મંત્ર આપવામાં આવે છે, જ્યારે બોચાસણવાળા ‘શ્રીસ્વામિનાથશરણ’ એવો મંત્ર આપે છે. તેઓ ‘ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર’ એવું ભજન કરાવે છે. બોચાસણવાળા ગુણાતીતાનંદની/ યજ્ઞપુરુષદાસની/ જાગા અને પ્રાગા ભક્તની પ્રતિમાઓનું પૂજન કરે છે. અમારા સંપ્રદાયથી આ બધું અલગ છે. અમારા સંપ્રદાયમાં ભગવાનનું ધામ ગોલોક કહ્યું છે. (શિક્ષાપત્રી શ્લોક-121, સત્સંગિજીવન પ્રકરણ-3, અધ્યાય-41) અક્ષરધામ ગોલોકના મધ્યમાં આવેલું છે. જ્યારે બોચાસણવાસી અક્ષરધામને જુદું દર્શાવે છે. સ્વામિનારાયણના 1000 નામ લખ્યા છે, તેમાં ‘અક્ષરપુરુષોત્તમ’ એવું નામ નથી. અમારા સાધુમાં ‘અક્ષરપુરુષોત્તમદાસ’ નામવાળો કોઈ સાધુ પણ નથી. અમારા મંદિરો ‘સ્વામિનારાયણ મંદિર’ તરીકે ઓળખાય છે. જ્યારે પ્રતિવાદીના મંદિરો ‘અક્ષરમંદિર કે અક્ષરપુરુષોત્તમ મંદિર’ તરીકે ઓળખાય છે. વચનામૃતમાં કોઈ ઠેકાણે ગુણાતીતાનંદ સ્વામીએ પૂછેલો પ્રશ્ન આવતો નથી. તેમાં 50 સાધુઓએ પ્રશ્નો પૂછેલા છે. અમારા સંપ્રદાયની વ્યવસ્થા જાળવવા શ્રીજીમહારાજે કુલ 16 સદગુરુઓ નીમેલા, તેમાં પણ ગુણાતીતાનંદ સ્વામીનું નામ નથી. શ્રીજીમહારાજ અંતર્ધાન થયા ત્યારે પણ ગુણાતીતાનંદને બોલાવ્યા ન હતા. વિમુખ એટલે વિરોધી, પ્રતુકૂળ, પતિત, ભ્રષ્ટ એવો થાય છે. શ્રીજીનહારાજના સમયમાં હરબાઈ અને વાલબાઈ/ રઘુનાથદાસ વગેરેને વિમુખ કરેલ.”
“શિક્ષાપત્રીમાં વર્ણાશ્રમ ધર્મ કહ્યા છે. તેમાં સ્પૃશ્ય અસ્પૃશ્યનો વિચાર કરેલો છે. તેમાં મોચી લોકોને અસ્પૃશ્ય કહ્યા છે. જાગાભગત મોચી હતા. પ્રાગાભગત દરજી હતા. જાગા ભગત પાળા (પાર્ષદ-સેવક) થયેલા છતાં કોઈને અડકી શકે નહીં. બ્રાહ્મણ હોય તે બ્રહ્મચારી થઈ શકે. ઈતર કોમ વાળા, પાળા કે સાધુ થઈ શકે. ક્ષત્રિય વૈશ્ય સાધુ થઈ શકે. શૂદ્ર પાળામાં જ રહે. શૂદ્રનાં બે ભાગ છે સચ્છદ્ર અને અસચ્છદ્ર. સાધુ લોકો મોચી ભક્તને અત્યારે પણ સ્પર્શ કરતા નથી. કારણ કે તે અસ્પૃશ્ય જાતિ છે. મોચી લોકો પાળાં થાય તો પણ તેને અડતા નથી. મુસલમાનને જો અડી જવાય તો સ્નાન કરવાનું અમારા ધર્મશાસ્ત્રમાં કહ્યું છે. હરજી ઠક્કર/ લાધા ઠક્કર/ હસનભાઈ ખોજાઓ હતા. પરંતુ શ્રીજીમહારાજે 1826માં વર્ણાશ્રમની વ્યવસ્થા કરી તે પહેલાની વાત છે. હસનભાઈ વડતાળમાં જુદા બેસી નામું લખતા. હરજી ઠક્કરને ત્યાં/ કરીમભાઈને ત્યાં શ્રીજીમહારાજ ગયેલાં. શ્રીજીમહારાજ ભગવાન હતા એટલે એમણે ગમે તે કર્યું પણ બીજાએ તેમ કરવાનું નહીં. વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે મેં લખ્યું છે તે પ્રમાણે વર્તવાનું છે, પણ મારા આચરણ પ્રમાણે વર્તવાનું નહીં. દીક્ષા એકલો ધર્મવાળો આપી શકે નહી, એકલો જ્ઞાનવાળો આપી શકે નહીં. સત્સંગિજીવન પ્રકરણ-4, અધ્યાય-40માં શ્રીજીમહારાજે કહ્યું છે કે આચાર્યમાં ન્યૂનતા હોય તો પણ તેમની પાસેથી દીક્ષા લેવી.”
થોડાં પ્રશ્નો : [1] શું મનુષ્યોનું કલ્યાણ મંદિર/ ચર્ચ/ મસ્જિદથી થાય? જો એ શક્ય હોય તો ધાર્મિકસ્થળોએ જ વધુ ક્રાઈમ કેમ થાય છે? મૂર્તિઓની સેવા કરવાથી સર્વનું શ્રેય થાય? મંત્રદીક્ષા આચાર્ય જ આપી શકે, અને આચાર્ય વારસાગત હોય, એવી વ્યવસ્થા કરનારને સર્વોચ્ચ ભગવાન કહી શકાય? [2] જો સહજાનંદજીએ સ્થાપેલી બધી મૂર્તિઓ કૃષ્ણના સ્વરૂપની હોય તો કોઈ સત્સંગી કે તેમના સાધુઓને ‘જય સ્વામિનારાયણ’ના પ્રત્યુત્તરમાં ‘જય શ્રી કૃષ્ણ’ કહીએ ત્યારે તેમને ગમતું કેમ નથી? શામાટે લોકાચારમાં ‘જય સ્વામિનારાયણ’ બોલવાનો આગ્રહ રખાય છે? જો સહજાનંદજીના ઈષ્ટદેવ કૃષ્ણ હોય (શિક્ષાપત્રી શ્લોક-1) તો કૃષ્ણનું નામ સાંભળવાનું સત્સંગીઓ ગમતું કેમ નથી? [3] વડતાળ ગાદીવાળાનું અક્ષરધામ ગોલોકની મધ્યમાં છે અને BAPS નું અક્ષરધામ અલગ જગ્યાએ છે, તેમ તે કહે છે. શું ગોલોક/અક્ષરધામ એ માત્ર કલ્પના નથી? ભોળા શ્રદ્ધાળુઓને છેતરવાની યુક્તિ નથી? સ્વામિનારાયણના અલગ અલગ પંથોએ ગપ્પા-સાહિત્ય રચ્યું નથી? [4] જાગા ભગત મોચી હતા, પાળા-પાર્ષદ હતા, છતાં તે કોઈને અટકી શકે નહીં, એમ વિચારવું મધ્યયુગી સામંતી માનસિકતાનો પુરાવો નથી? ઘોડીને સ્પર્શ કરી શકાય પણ માણસને નહીં ! આવો ભેદભાવ કરનારને ‘સર્વોચ્ચ ભગવાન’ કહી શકાય? આવા ભેદભાવ કરનારને સંત કહી શકાય? પાળાને સફેદ વસ્ત્રો ધારણ કરવા પડે, તેથી જાગા મહારાજના ચિત્રો સફેદ વસ્ત્રોમાં જ જોવા મળે છે. શૂદ્રને ભગવા વસ્ત્રનો અધિકાર નહીં ! આવું શામાટે? જાગા ભગત જાતે ઉતરતા અસ્પૃશ્ય હોવાથી સર્વંથી જુદું રહેવાનું સ્થાન મળ્યું હતું અને ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાગીઓના જોડા સીવવાનું કામ સોંપ્યું હતું. તેમને સ્વજાતિના ચેલા બનાવવાની છૂટ મળી હતી. તેમણે રણછોડ ભગત/ લાધા ભગત વગેરે ચેલા કર્યા હતા. પરંતુ તેમને જોઈએ તેવું માન મળ્યું ન હતું. જાગા ભગતે જ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, એવો પ્રચાર શરુ કર્યો હતો. આમ ‘મૂળ અક્ષર’નો ઉદ્દભવ સ્વામિનારાયણ સંપ્રદાયની આંતરિક ખટપટના કારણે થયો હતો. આમાં કોઈ તત્વજ્ઞાન/સિદ્ધાંત ન હતો. શું આ સત્ય નથી? [5] ‘આચાર્યમાં ન્યૂનતા હોય તો પણ તેમની પાસેથી દીક્ષા લેવી.’ ન્યૂનતા એટલે ખામી; દોષ; અપૂર્ણતા; દૂષણ; નબળાઈ ! જ્ઞાન/નૈતિકતા કરતા વર્ણ મહત્વનો? આચાર્ય પાસેથી જ દીક્ષા લેવાનો ઉપદેશ આપનાર મનુષ્યોનું કલ્યાણ ઈચ્છે છે કે આચાર્યનું? તેમના વંશપરંપરાનું? આવું કહેનાર ‘સર્વોચ્ચ ભગવાન’ હોઈ શકે?rs


[wptube id="1252022"]





