
૫ – માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
અલ મદદ કમીટી અને આરોગ્ય વિભાગ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું
મુંદરા કચ્છ:- હાજીપીર યાત્રાથી પરત ફરતા યાત્રાળુઓ માટે 2009થી મુંદરાની અલ મદદ કમીટી અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ડાક બંગલાના ગેટ પાસે ત્રણ દિવસ માટે યોજાતા સેવા કેમ્પને રીબીન કાપીને ખુલ્લું મુકતા નગરપાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમારે જણાવ્યું હતું કે દેશને વિકાસની નવી ગતિ આપનાર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસને યાદ કરતા અલ મદદ કમિટી અને આરોગ્ય વિભાગની સેવા ભાવનાના પ્રયાસને બિરદાવી તન, મન અને ધનથી ભરોસાની ભાજપ સરકાર દ્વારા કેમ્પ માટે તમામ પ્રકારે સહકાર આપવાની જાહેરાત કરતા ચાલુ વર્ષે અવસાન પામેલ કેમ્પના પાયાના પથ્થર સમાન એવા એમ. પી. ખોજા અને સલીમ ભીમાણીની નિઃસ્વાર્થ સેવાને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે કચ્છ પત્રિકાના તંત્રી અને જાણીતા પત્રકાર દિલીપભાઈ ગોરે મુખ્ય આયોજક લતીફ આમદ સુમરાની સેવાની પ્રશંસા કરતા પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. તેમની સાથે પ્રકાશભાઈ ઠક્કર, પ્રકાશભાઈ પાટીદાર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ભોજરાજભાઈ ગઢવી, સંજયભાઈ ઠક્કર વિગેરે હાજર રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છની રણકાંધીએ આવેલા હાજીપીર બાબાની મજાર પર મન્નત પુરી કરવા કચ્છ – સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાંથી લાખો શ્રધ્ધાળુઓ આવતા હોય છે જે છેલ્લે મુંદરાની શાહ બુખારી પીરની દરગાહે માથું ટેકવી અહીંના પ્રખ્યાત અવ – નવી જાતના હલવાને પ્રસાદીરૂપે ઘરે લઈ જતા હોય છે ત્યારે મુન્દ્રામાં આવતા તમામ યાત્રાળુઓને પોતાના મહેમાન સમજીને તેમને અગવડ ન પડે તે માટે નગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક નદી વિસ્તારમાં પડેલા ખાડાઓમાં માટી પુરાવી અને સાફ સફાઈ કરાવી આપવા બદલ પ્રમુખશ્રી કિશોરસિંહ પરમાર અને તેની ટીમનો આભાર વ્યક્ત કરતા મુખ્ય આયોજન લતીફભાઈ સુમરાએ કચ્છમિત્રના પત્રકાર વિનોદભાઈ મહેતાના સહયોગને પણ આ તબબકે યાદ કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી.ત્રણ દિવસ ચાલનારા આ કેમ્પમાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ લાભ લેતા હોય છે ત્યારે કેમ્પને સફળ બનાવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના મેડિકલ ઓફિસર ડો. રુચિતાબેન ધુઆ અને સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠક્કરની આરોગ્ય ટીમ, પી. એમ. પી. એસોસિએશનના ડો. કિશોરભાઈ પટેલની ટીમ, અલ મદદ કમિટીના અમીન સુમરા, ફિરોઝ ચાકી, રજાક સુમરા તથા સમગ્ર ટીમ અને યસ એન્ટરપ્રાઇઝ દ્વારા ત્રણ દિવસ માટે વિનામૂલ્ય પૂરી પાડવામાં આવતા ફિલ્ટર પાણીની સેવાને બીરદાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પત્રકાર સીરાજભાઈ મલેક દ્વારા કરવામાં આવેલ અને આભારવિધિ પત્રકાર ઇમરાનભાઈ અવાડિયાએ કરી હતી.








