
બનાસકાંઠાના પાલનપુરમાં વિદ્યાર્થીના અપહરણ બાદ મોતની ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહી કરી છે. તેમજ પાલનપુરના પૂર્વ વિસ્તારના પોલીસ સ્ટેશનનના પીઆઈ જે.પી. ગોસાઈને સસ્પેડ કરાયા છે. વિદ્યાર્થીના અપહરણની ફરિયાદ બાદ પીઆઈએ મામલાની ગંભીરતા દાખવી નહી. તેમજ કોઈ કાર્યવાહી પણ કરી ન હતી. આ સમગ્ર મામલે બનાસકાંઠા જિલ્લા એસ.પી. અક્ષયરાજ મકવાણાએ પીઆઈ જે.પી. ગોસાંઈને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વિદ્યાર્થીની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. પાલનપુરમાં વિદ્યાર્થીની હત્યા મામલે પોલીસે 7 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે. આદર્શ સંકુલમાં અભ્યાસ કરતા આર્યન મોદી નામના વિદ્યાર્થીનું અપહરણ કરી માર મરાયો હતો. પ્રેમ પ્રકરણમાં વિદ્યાર્થીને ગાડીમાં અપહરણ કરી ખેતરમા માર મારી વિડિયો ઉતાર્યો હતો.
મૃતકના પરિવારજનોએ આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પોલીસે મૃતકના પરિવારજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યો હતા. બનાવને લઈ એલસીબી, એસઓજી સહિતની ચાર ટીમો કામે લાગી છે. પોલીસે ઘટના સ્થળના CCTV અને મોબાઈલ કોલ ડિટેલના આધારે વધુ તપાસ હાથ ધરી છે.




