
12-ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
પૃથ્વી પરના આભૂષણ દરિયાઈ સૃષ્ટિને બચાવવા મુન્દ્રા પોર્ટની કંપનીઓના જૂથે કમર કસી
વૈશ્વિક સમસ્યા અંગે જન જાગૃતિ લાવવા અદાણી હાઉસ મુન્દ્રા ખાતે યોજાયો સેમિનાર
સમગ્ર વિશ્વમાં એક અબજથી વધુ લોકો તેમની આજીવિકા માટે વેટલેન્ડ્સ પર નિર્ભર છે
મુન્દ્રા કચ્છ :- પૃથ્વી પરની વિવિધતાને લીધે વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ જૈવ પ્રજાતિઓ જોવા મળે છે જેમના અસ્તિત્વને ટકાવી રાખવા માટે દર વર્ષે બીજી ફેબ્રુઆરીના વર્લ્ડ વેટલેન્ડ્સ ડે (વિશ્વ જલપ્લાવીત દિવસ)ની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષ 2023ની થીમ “ક્ષીણ થઈ ગયેલી વેટલેન્ડ્સને પુનર્જીવિત કરો અને પુનઃસ્થાપિત કરો”ના વિષય સાથે અદાણી હાઉસ મુન્દ્રા ખાતે કંપનીઓના ગ્રુપ દ્વારા પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છની સાત બી. એડ. કોલેજોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાંથી મુન્દ્રાની એસ. ડી. શેઠીયા બી. એડ. કોલેજની તાલીમાર્થી તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કર અને જયશ્રીબેન જગદીશભાઈ કદાવલાની ટીમ ત્રીજા નંબરે વિજેતા થતા કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ. વી. ફફલ તથા પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર ડો. દિનેશભાઈ પટેલ તથા સમગ્ર કોલેજ સ્ટાફે તેમને અભિનંદન પાઠવ્યા હતા.અદાણી હાઉસ ખાતે વેટલેન્ડ્સ ડે નિમિત્તે યોજાયેલ સેમિનારમાં જ્યાં જમીન અને પાણી મળે છે ત્યાં જીવન ભરપૂર છે એવા આ સુંદર ગ્રહ ઉપર દરેક ખૂણામાં માનવ જીવન અને જીવ સૃષ્ટિના આધાર એવા વેટલેન્ડ્સ (ભીની જમીન)ને બચાવવા અંગે ચિંતનાત્મક વક્તવ્યો આપવામાં આવ્યા હતા.વેટલેન્ડ્સ પૂર, દુષ્કાળ, વાવાઝોડા અને સુનામીની અસરો સામે બફરનું કાર્ય કરે છે. તેઓ કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે જેથી વૈશ્વિક ગરમીને ધીમી પાડવામાં અને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થાય છે તેથી તેને “પૃથ્વીની કિડની” તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1970 થી વિશ્વની 35 ટકા વેટલેન્ડ્સ નાશ થઈ ગઈ છે અને હાલમાં પણ જંગલો કરતા ત્રણ ગણી ઝડપથી ઘટી રહ્યા છે.સમગ્ર વિશ્વમાં વેટલેન્ડ્સ ડાંગરમાં ઉગાડવામાં આવતા ચોખા 350 કરોડ લોકોનો મુખ્ય આહાર છે અને એક અબજથી વધુ લોકો (આઠમાંથી એક વ્યક્તિ) તેમની આજીવિકા માટે વેટલેન્ડ્સ પર નિર્ભર છે ત્યારે વિકાસની આંધળી દોડ અને શહેરીકરણની ઘેલછામાં વધતા જતા સિમેન્ટના જંગલો જેવા કારણોને લીધે ઝડપથી ઘટતા જતા વેટલેન્ડ્સના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે પ્રોત્સાહન આપી આ સમસ્યા અંગે જાગૃતતા લાવવા સેમિનારમાં વક્તાઓ દ્વારા સમજણ આપવામાં આવી હતી. 2023ની થીમ “ક્ષીણ થઈ ગયેલી વેટલેન્ડ્સને પુનર્જીવિત કરો અને પુનઃસ્થાપિત કરો” એ સ્વયં જ વેટલેન્ડ્સના પુનઃસંગ્રહના મહત્વને પ્રકાશિત કરે છે ત્યારે આપણે સૌ સાથે મળીને આ વૈશ્વિક સમસ્યાના નિરાકરણ માટે આગળ આવીએ એવી અપીલ કાર્યક્રમમાં કરવામાં આવી હતી.








