
10-ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યવાહક સમિતિ ( સંકલન સભા) ની બેઠક આગામી રવિવારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકા મથકે યોજાશે. પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તા. ૧૨ ફેબ્રુઆરીના બપોરે ૨: ૩૦ કલાકે સાવલી તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળીના કાર્યાલયે મળનાર આ સંકલન બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા સંઘોના પ્રમુખ, મહામંત્રી અને રાજ્ય સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.બેઠકમાં આગામી મે માસમાં ગાંધીનગર ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન તેમજ પ્રખર રામાયણી પૂ. મોરારિ બાપુના વ્યાસાસને યોજનાર રામકથાના આયોજન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે તથા વિવિધ સમિતિઓનું ગઠન કરવામાં આવશે. આ ઉપરાંત પ્રાથમિક શિક્ષકોના બાકી રહેલ વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે આયોજન ઘડવામાં આવશે. આ સાથે જૂની પેન્શન યોજના માટે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા યોજાનાર ભારત યાત્રા સંદર્ભે પરામર્શ કરવામાં આવશે. સાવલી ખાતેની આ સંકલન બેઠકમાં કચ્છ જિલ્લામાંથી પ્રમુખ નયનસિંહ જાડેજા, મંત્રી કેરણા આહિર, રાજ્ય સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા અને મંત્રી વિલાસબા જાડેજા ઉપસ્થિત રહેશે તેવું જિલ્લા સંઘના કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા અને કોષાધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.







