દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૧ થી તા. ૨૩ જાન્યુઆરી સાંસદ ખેલ સ્પર્ધા : મોટી સંખ્યામાં ખેલાડીઓ લેશે ભાગ

તા.04.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૧ થી તા. ૨૩ જાન્યુઆરી સાંસદ ખેલ સ્પર્ધા : મોટી સંખ્યામાં ખેલાડીઓ લેશે ભાગ
જિલ્લા કક્ષાની સ્પર્ધા તા. ૨૪ અને તા. ૨૫ જાન્યુઆરીએ યોજાશે : વિજેતા ખેલાડીઓને કરાશે પ્રોત્સાહિત
દાહોદ જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાના આયોજન માટે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ સ્પર્ધાનું જિલ્લાની ૬ સહિત સંતરામપુર વિધાનસભા બેઠક ખાતે આયોજન કરાયું છે. આ સ્પર્ધા આગામી તા. ૨૧, ૨૨ અને ૨૩ જાન્યુઆરીના રોજ યોજાશે. સ્પર્ધા માટેના સમય, સ્થળ સહિતનું આયોજન બેઠકમાં કરાયું હતું.
આ રમતો દાહોદનાં એકલવ્ય સ્કુલ ખરેડી, ગરબાડાના પાંડુરંગ ઉત્તર બુનીયાદી શાળા, અભલોડ, ફતેપુરાના આઇ.કે. દેસાઇ હાઇસ્કુલ, દેવગઢ બારીયા રમત ગમત સંકુલ, જીએલ હાઇસ્કુલ સીંગવડ, એસઆરપી ગ્રુપ મેદાન પાવડી, ઝાલોદ, એસપી હાઇસ્કુલ સંતરામપુર ખાતે યોજાશે. જેમાં ત્રણ દિવસમાં વિવિધ રમતો જેવી કે એથ્લેટિક્સ, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ક્રિકેટ ભાઇઓ, રસ્સા ખેંચની રમતો યોજાશે.
આ રમતોમાં વિજેતા ખેલાડીઓ ત્યાર બાદ જિલ્લા કક્ષાની રમતોમાં ભાગ લેશે. જિલ્લા કક્ષાની રમતો દેવગઢ બારીયાના રમત ગમત સંકુલ ખાતે તા. ૨૪ અને તા. ૨૫ જાન્યુઆરીએ યોજાશે. જેમાં કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, રસ્સાખેંચ, આર્ચરી, ક્રિકેટ, હોકી, સ્વિમિંગ, જુડો, કરાટે, કુસ્તી સહિતની રમતોનો સમાવેશ કરાયો છે. આ રમતોમાં ૧૬ વર્ષથી ઉપરના ખેલાડી ભાઇ બહેનો ભાગ લઇ શકશે. વિધાનસભા કક્ષાની તેમજ જિલ્લા કક્ષાની રમતોના વિજેતા ખેલાડીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર, અગ્રણી સુધીર લાલપુરવાલા તેમજ કાર્યક્રમ સાથે સલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.








