
વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.
કચ્છ બોર્ડર રેન્જ આઈ.જી.શ્રી ચિરાગ કોરડીયા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા
ભુજ,તા-26 મે : જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આજરોજ કલેક્ટર ઓફિસ ખાતે કચ્છ જિલ્લામાં આવેલા ગેમઝોનના સંચાલન સંબંધે તકેદારી રાખવા તેમજ તપાસ કરવા બાબતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ કચ્છ જિલ્લામાં આવેલા તમામ ગેમઝોનની ચકાસણી કરવા માટે વિવિધ ટીમો બનાવીને કામગીરી કરવા સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં તમામ પ્રાંત અધિકારીશ્રીઓને ગેમ ઝોનની ચકાસણી માટે નોડલ અધિકારીશ્રી તરીકે જવાબદારી આપવામાં આવી છે. નાયબ મામલતદાર, પોલીસ, નગરપાલિકા, પીજીવીસીએલ એમ વિવિધ વિભાગોની સંયુક્ત રીતે ટીમો બનાવવામાં આવી છે. આ ટીમ કચ્છમાં આવેલા તમામ ગેમ ઝોન સરકારશ્રીના નિયમોનુસાર છે કે નહીં તેની ચકાસણી કરીને જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ અહેવાલ રજૂ કરશે. રાજ્ય સરકારશ્રીની સૂચનાનુસાર અને સંબંધિત નિયમોનુસાર આ ટીમો દ્વારા કાર્યવાહી પણ કરાશે. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ વધુમાં ઉમેર્યું હતું કે, સમગ્ર કચ્છમાં વહીવટીતંત્રની ટીમો દ્વારા ગેમઝોનમાં ફાયર એન.ઓ.સી, વિકાસ પરવાનગી અને ઈન્ટર વાયરીંગ સહિત બાંધકામ મંજૂરીની તપાસ કરવામાં આવશે. કચ્છ બોર્ડર રેન્જ આઈ.જી.શ્રી ચિરાગ કોરડીયાએ આ બેઠકમાં અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ફાયર એન.ઓ.સી સહિત વિવિધ પરમિશનની બારીકાઈથી તપાસ થાય તે ખૂબ જ જરૂરી છે. ગેમ ઝોનમાં આકસ્મિક સંજોગોમાં રાહત બચાવ માટે ઉપલબ્ધ વ્યવસ્થાઓ તપાસવા રેન્જ આઈજીશ્રીએ તાકીદ કરી હતી. નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યાએ ઉપસ્થિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓને તપાસ ટીમો દ્વારા કામગીરી સુચારુ રીતે થાય તે દિશામાં યોગ્ય રીતે મોનિટરીંગ કરવા સૂચન કર્યું હતું.આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય)ના કાર્યપાલક ઈજનેરશ્રી વી.એન. વાઘેલા, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઈજનેરશ્રી એમ.જે. ઠાકોર, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, તમામ મામલતદારશ્રીઓ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી ગાંધીધામ, ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, સર્વે ચીફ ઓફિસરશ્રીઓ સહિત સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








