
વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ
ભુજ, તા-21 મે : કચ્છ જિલ્લામાં ખારેકની ખેતી કરતા ખેડૂતો ને જણાવવા માં આવે છે કે ખારેક માં મુંડો (રેડ પામ વિવિલ) કીટકનો ઉપદ્રવ છેલ્લા બે-ત્રણ વર્ષથી વધારે જોવા મળે છે. આ જીવાત ખારેકના ૫ થી ૧૦ વર્ષની ઉમરના ઝાડને વધુ નુકશાન પહોંચાડે છે. આ કીટક લાંબા અંતર સુધી ઉડી શકે છે અને આખા વર્ષ દર્મયાન સક્રીય રહે છે. મુંડો (રેડ પામ વિવિલ)નો ઉપદ્રવ જુલાઇ માસ થી નવેમ્બર માસ સુધી વધારે જોવા મળે છે. એક જ ઝાડમાં ઘણી બધી પેઢીઓ વિકાસ પામે છે. આ જીવાતની માદા ઝાડના ખાંચામા, ટોચના પાંદડા અને પીલાના જોડાણના સાંધામાં ઇંડા મુકે છે. ઇંડામાંથી ઇયળ ઝાડની અંદર ઘુસી જાય છે. ઇયળનો વિકાસ ખુબજ ઝડપથી થાય છે. ઇયળથીખારેકને ત્રણ તબક્કામાં નુકશાન થાય છે.
૧.માઇલ્ડ (હળવો) આ તબક્કામાં નાનાકાણાં જોવા મળે છે અને ઝાડમાંથી દ્રાવણ ઝરતું જોવા મળે છે. ૨.મીડીયમ (સાધારણ) આ તબક્કામાં ચવાયેલો ગુચ્છો બહાર ફેંકાતો જોવા મળે છે. ૩.સીરીયસ (ગંભીર) જે ભાગને નુકશાન થયેલ હોય તે બાજુના પાંદડા રંગે પીળા પડે છે, તેમજ વધુ પડતા ચવાયેલા ગુચ્છા બહાર ફેંકાય છે. ખુબજ દુર્ગંધ આવે છે.
ખારેકમાં મુંડાના નિયંત્રણ માટે નીચેના પગલા લેવા જણાવવામાં આવે છે.
આ જીવાતના ઉપદ્રવનો શરૂઆતથી જ ખ્યાલ આવી જાય તો ઝાડના થડમાં જે જ્ગ્યાએ નુકશાન જોવા મળે તે જગ્યાએથી થડને સાફ કરી જેટલી શક્ય હોય તેટલી ઇયળો(સફેદ મુંડા) બહાર કાઢી આ કાણામાં એલ્યુમીનીયમ ફોસ્ફાઇડની ટીકડી મુકવી ત્યારબાદ આ કાણાને ચીકણી માટીથી હવા ચુસ્ત રીતે બંધ કરી દેવું જોઇએ. જેથી અંદર રહેલ પુખ્ત કીટક અને ઇયળો મૃત્યુ પામશે અને ઝાડને બચાવી શકાશે. સમયાંતરે દવા જેવી કે ક્લોરેપાયરીફોસ ૫૦ ઇ.સી. ૦.૧ ટકા (૫૦ મી.લી./૧૦ લી.) નો છંટકાવ કરવો. જીવાત થડમાં વધુ ઉંડાઇએ ન ગયેલ હોય તો નુકશાની વાળો ભાગ સાફ કરી ડ્રીલ વડે ત્રાંસો હોલ કરી તેમાં ક્લોરેપાયરીફોસ ૫૦ ઇ.સી. ૦.૧ ટકા (૫૦ મી.લી./૧૦ લી. પાણી માં)દવાનું ઇંજેકશન આપવું. ખારેકના પીલા (સકર) ને એક જગ્યાએથી બીજી જગ્યાએ વાવેતર કરવા માટે લઇ જવાના થાય તો રાસાયણીક દવાનો છંટકાવ કરી જીવાત મુક્ત કરીને જ લઇ જવા.ખારેકના ઝાડની આજુ-બાજુ જમીનમાં રાસાયણીક દવાને પાણી સાથે આપવી. ખારેકના ઝાડમાં ઉપરના ભાગે પાન ઉપર સમયાંતરેક્લોરેપાયરીફોસ ૫૦ ઇ.સી. ૦.૧ ટકા (૫૦ મી.લી./૧૦ લી.) દવાનો છંટકાવ કરવો. ખારેકના ઝાડમાં પીલા કાઢેલી જગ્યાએ ક્લોરેપાયરીફોસ ૫૦ ઇ.સી. ૦.૧ ટકા (૫૦મી.લી./૧૦ લી.) દવા છાંટી, ચીકણી માટીને દવા સાથે ગારો બનાવીને લગાવવી.
વધુ માહીતી માટે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર ડેટપામ, કુકમા અને ખારેક અનુસંધાન કેંદ્ર, મુંદ્રાનો સંપર્ક કરવા અખબારયાદીમાં જણાવાયું છે.







