
આણંદ જિલ્લામાં “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ” ની ઊજવણી

તાહિર મેમણ – આણંદ – 16/05/2024 : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ડેન્ગ્યુના ફેલાવાને રોકવા માટે, સમગ્ર દેશમાં વિવિધ સ્તરે દર વર્ષે ડેન્ગ્યુથી બચવાના ઉપાયો અંગે જાગૃતિ લાવવા “૧૬ મે, ના રોજ “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ” ઉજવવામાં આવે છે. જે અન્વયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.દિપક પરમારના માર્ગદર્શન અને જિલ્લા મેલેરીયા અધિકારી ડૉ. રાજેશ પટેલના આયોજન હેઠળ જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ૮ અર્બન આરોગ્ય કેન્દ્રોના ક્ષેત્રિય વિસ્તારમાં “ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ પર નિયંત્રણ મેળવીએ” થીમ અંતર્ગત “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ”ની અર્બન આરોગ્ય કેન્દ્ર, પેટલાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
પેટલાદ ખાતે યોજાયેલ જનજાગૃતિ રેલીમાં જિલ્લા મેલેરીયા અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, અર્બન આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર, આયુષ મેડીકલ ઓફીસર, તમામ અર્બન આરોગ્ય કર્મચારીઓની ટીમ અને બહોળી સંખ્યામાં હાજર આરોગ્ય કર્મીઓ દ્વારા ડેન્ગ્યુ રોગ પર નિયંત્રણ અને તેની અટકાયત અંગેની માહિતી આપવામાં આવી હતી.
આ ઉજવણીનો મુખ્ય હેતુ ચોમાસાની ઋતુ પહેલા અને દરમ્યાનના સમયગાળામાં મચ્છરની ઉત્પત્તિના સ્થાનો શોધીને નાબુદ કરવા, વિવિધ આરોગ્ય શિક્ષણના કાર્યક્રમો હાથ ધરી લોકોમાં જાગૃતિ લાવવી, આ કામગીરીમાં તમામ નાગરીકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત કરી ચોમાસામાં ફેલાતા મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકન ગુનિયા રોગોને નિયંત્રિત કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ” નિમિત્તે જિલ્લામાં વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં આવેલા વિવિધ જાહેર સ્થળોએ ૨૫ રેલી કાઢીને જન જાગૃતિ કરવામાં આવી હતી. ૧૫ સ્થળોએ માઇકિંગની કામગીરી, ૩૭૦૦ વ્યક્તિગત ચર્ચાઓ, ૨૩૦ જૂથ ચર્ચાઓ, ૪૦ શિબિરોનું આયોજન, ૨૨ જગ્યાએ લાઈવ પોરા નિદર્શન, ૫૫ જાહેર સ્થળો પર જન જાગૃતિ કાર્યક્રમ, ૬૮૦૦ સ્થળોએ પોરાનાશક કામગીરી, ૯૭૩૦ પાત્રોને નાશ કર્યા, ૪૫ જગ્યાએ પોરાભક્ષક માછલી મૂકાઈ, ૫૫ જાહેર / બાંધકામ સ્થળોએ નોટીસ આપવામાં આવી તથા ૫૦૦૦૦ પત્રિકા વિતરણની કામગીરી કરવામાં આવી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. દિપક પરમાર દ્વારા જણાવાયું છે.છે.








