પરશોત્તમ રૂપાલા સાથે બેસીને વાત કરવાનો કોઈ સવાલ જ નથી : ક્ષત્રિય સમાજ

રાજકોટમાં પરશોત્તમ રૂપાલાની પત્રકાર પરિષદ બાદ ક્ષત્રિય સમાજના દેવેન્દ્રસિંહ જાડેજા અને ભાર્ગવીબા ગોહિલએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, તેમાં કહ્યું કે ક્ષત્રિય સમાજે 45 દિવસ સંયમથી આંદોલન ચલાવ્યું છે. ક્ષત્રિય સમાજના આંદોલનને ટેકો આપનારા સર્વ સમાજનો આભાર માન્યો હતો. પરશોત્તમ રૂપાલા પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેમણે જે કંઈ માફી માંગી છે તે રાજકીય માંગી છે.
સંકલન સમિતિની બેઠક મળશે તેમાં માફી અંગે નિણર્ય કરવામાં આવશે. સંકલન સમિતિએ કહ્યું કે વોટિંગ વર્ગને ખુશ કરવા માટે પરશોત્તમ રૂપાલાએ માફી માગી છે.
જયરાજ સિંહ પરમાર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરમાર સાહેબ પોતાની ગંદી રાજનીતિ અંગે બોલ્યા છે, અગાઉ પણ પરમાર સાહેબ નબળું બોલ્યા છે. પરશોત્તમ રૂપાલા તેમજ તેમના અંગત સભ્યોએ ઉશ્કેરવા માટે અનેક પ્રયત્નો કર્યા છે, અમારી પાસે તે બાબતના પુરાવા પણ છે. પરશોત્તમ રૂપાલા સાથે બેસવાનો કોઈ સવાલ જ નથી. ક્ષત્રિય સમાજની અસ્મિતા પર ઘા થયો છે, આંદોલનના ભાવિ અંગે ક્ષત્રિય સમાજની સંકલનની બેઠક મળશે. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે અલ્પવિરામને પૂર્ણ વિરામ સમજવાની કોશિશ કરવામાં ના આવે.
ગુજરાતની લોકસભાની તમામ 25 બેઠકો પર ગત રોજ મતદાન યોજાયું હતું. ચૂંટણી પછી પરશોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં કહ્યું, ‘આપ બધાને ખ્યાલ હશે કે મારી 40 વર્ષની જાહેર જીવનની કારકિર્દી છે, અને એ કારકિર્દીના સમયમાં હું ચૂંટણી લડ્યો. મારા એક નિવેદનને કારણે આખી ચૂંટણીની અંદર ખુબ મોટા વમળો સર્જાયા છે. એને કારણએ આ સમયમાં હું જાહેર જીવનમાં પીડાદાયક કહો, કષ્ટદાયક સમયમાંથી પસાર થયો છું.
મારી ભૂલ થઈ, મારાથી ભૂલ થઈ. આખી ઘટનાનું કેન્દ્ર બિન્દુ હું જ હતો, થયું એવું કે અમારી પાર્ટી પણ એમાં લપેટાઇ ગઇ, અમારી પાર્ટીને પણ સહન કરવું પડ્યું જે મારા માટે સૌથી કષ્ટદાયક છે.’મારે આપ સૌને કહેવું છે કે હું માણસ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર.










