
ઝારોલા હાઈસ્કૂલમાં શ્રેષ્ઠને સર્વશ્રેષ્ઠ બનાવવાનો કાર્યક્રમ યોજાયો.

80 વિદ્યાર્થીઓને તેમના માતા પિતાની હાજરીમાં સન્માનિત કરાયા.
તાહિર મેમણ : આણંદ – 04/03/2024- જો બાળકને ઘર તેમજ શાળામાંથી પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે તો વિદ્યાર્થી કોઈપણ મુશ્કેલ કામ કરવા માટે હંમેશા તત્પર બને છે અને જીવનમાં ખૂબ આગળ પ્રગતિ કરી શકે છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ઝારોલા ગામે આવેલી હાઈસ્કૂલના બાલમંદિર થી ધોરણ 12 માં અભ્યાસ કરાવતા તમામ શિક્ષકો આ વાતને ખૂબ સારી રીતે સમજી વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે તનતોડ મહેનત કરે છે. દર માસે દરેક વિદ્યાર્થીના વાલીને ફોન કરીને શાળામાં વિદ્યાર્થીની થતી પ્રવૃત્તિ વાલીને જણાવે છે તેમજ ઘરમાં બાળક દ્વારા થતી પ્રવૃત્તિ વિશે વાલી પાસેથી માહિતી મેળવે છે.એના આધારે બાળકને વધારવા શું કરવું તે અંગે સ્ટાફમાં ચર્ચા કરી યોગ્ય નિર્ણય લે છે. તાજેતરમાં દરેક વર્ગમાંથી તેજસ્વીતા,નિયમિતતા,પ્રામાણિકતા, શિસ્ત,સમાજસેવા,પર્યાવરણનો વિકાસ વગેરે જેવી બાબતમાં વર્ષ દરમિયાન અગ્રેસર હોય તેવા કુલ 80 વિદ્યાર્થીઓનું તેમના ઘરના સભ્યોની હાજરીમાં સન્માન કરવાનું આયોજન થયું હતું. માતા-પિતાની હાજરીમાં વિદ્યાર્થીઓનું સન્માન થતાં વિદ્યાર્થીને માતા-પિતાને ગૌરવ અપાવ્યા બદલની અનહદ ખુશી થઈ હતી. જ્યારે બીજી બાજુ પોતાના સંતાનનું સન્માન થતા જોઈ માતા-પિતા ગદગદિત બન્યા હતા. શાળાના આચાર્યશ્રી નવીનભાઈ પટેલે વિદ્યાર્થીઓના સન્માનમાં હાજર રહેવા બદલ તમામ વાલીઓનો તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીઓને ઉજવળ કારકિર્દી ઘડતર માટે શુભેચ્છા પાઠવી હતી.








