
તા.૧/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
બાળકો જ બી.એલ.ઓ, ઈ. એલ. ઓ., આર.ઓ.,પોલિંગ ઓફિસર બની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થયા
Rajkot: આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને રાજકોટ જિલ્લામાં “સ્વીપ” દ્વારા વિવિધ નવતર પ્રયાસો હાથ ધરી વિદ્યાર્થીઓ,યુવાનો,વડીલો સૌને ચૂંટણીમાં મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટના પાર્થ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને અનોખી રીતે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી હતી.
પાર્થ વિદ્યાલય ખાતે મોક ચૂંટણી યોજી વિદ્યાર્થીઓને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં વિદ્યાર્થીઓ જ બી.એલ.ઓ., આર.ઓ, પોલિંગ ઓફિસરો, ઉમેદવાર અને મતદાતા બન્યા હતા. બાળકો દ્વારા જ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે જાણે સાચી ચૂંટણી હોય તેમ તાદ્રશ્ય થતી હતી. દરેક બાળક પોતાના હોદ્દા અને તેની કામગીરી વિશે વાકેફ હતા તેમજ તેમણે અન્ય બાળકોને પણ તેમની કામગીરી વિશે વિસ્તારપૂર્વક સમજણ પૂરી પાડી હતી.
સમગ્ર મોક ચુંટણી પ્રક્રિયામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં સહભાગી બન્યા હતા. શિક્ષકો અને સ્વીપના કર્મીઓ દ્વારા વિદ્યાર્થીઓને આગોતરી સમજ આપી, તૈયારી કરાવવામાં આવી હતી. જે થકી આ સમગ્ર નવતર પ્રયાસ સફળ રહ્યો હતો તેમ, અધિક કલેક્ટર અને સ્વીપના નોડલ શ્રી જિજ્ઞાસાબેન ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું.