વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરો ચીફ :- બિમલભાઈ માંકડ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી.
ભુજ તા. ૨૯ માર્ચ : દર વર્ષે ૧ એપ્રિલ થી ૩૦ જૂન સુધી સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાઓનો સમય આર. ટી. ઇ. ના નિયમોને આધિન રહીને સવારનો કરવામાં આવે છે. જેમાં કામકાજના કલાકો ન ઘટે તેનું ધ્યાન રખાય છે. દરેક જિલ્લાઓના પ્રાથમિક શિક્ષણાધિકારી પોતાની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સમય અંગે નિર્ણય લેતા હોય છે. તાજેતરમાં કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમી ,હિટ વેવ અને પીવાના પાણીની તંગીને ધ્યાનમાં લઈ જિલ્લાની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા દ્વારા એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં બિન પાળી વાળી સામાન્ય શાળાઓનો સમય સોમ થી શુક્રવાર સવારે ૭:૧૦ થી ૧૨:૪૦ જ્યારે શનિવારે ૭:૧૦ થી ૧૧:૧૦ નો સમય રાખવા સૂચના આપવામાં આવી છે. આ સાથે પાળી વાળી શાળાઓ માટે સોમ થી શુક્રવાર પ્રથમ પાળી સવારે ૭:૧૦ થી ૧૨:૪૦ જ્યારે બીજી પાળી બપોરે ૧૨:૪૦ થી સાંજે ૫:૩૦ રાખવા સૂચના આપવામાં આવી છે. આ સૂચનાથી પ્રાથમિક શિક્ષકોમાં ગણગણાટ શરૂ થયો છે. સવારના ૭:૧૦ વાગ્યે શિક્ષકો કે બાળકોને શાળામાં પહોંચવામાં તકલીફ પડી શકે. વળી ૧૨: ૪૦ કલાકે શાળા છૂટે તો ખાસ કરીને મહિલા શિક્ષિકાઓ ક્યારે ઘેર પહોંચે અને ક્યારે રસોઈ બનાવે? એટલે સમયમાં ફેરફાર કરવા માંગ કરવામાં આવી છે. વળી સમયમાં ફેરફાર કરવાથી આર. ટી.ઇ. મુજબના કલાકો પણ જળવાઈ રહે છે. સામાન્ય રીતે દર વર્ષે કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ૧ એપ્રિલ થી ૩૦ જૂન સુધી સામાન્ય શાળાઓનો સમય સોમ થી શુક્રવાર સવારના ૭:૩૦ થી બપોરે ૧૨: ૩૦ વાગ્યા સુધીનો હોય છે, જ્યારે શનિવારનો સમય સવારે ૭:૩૦ થી ૧૧:૩૦ નો હોય છે. તો પાળી પદ્ધતિ વાળી શાળાઓનો સમય પ્રથમ પાળી ૭:૪૫ થી ૧૧:૩૦ જ્યારે બીજી પાળીનો સમય ૧૧:૩૦ થી ૩:૧૫ નો હોય છે. તો દર વર્ષની માફક આ વર્ષે પણ ૧ એપ્રિલ થી ૩૦ જૂન સુધી રાબેતા મૂજબનો સમય રાખવા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજનું પ્રતિનિધિ મંડળ શનિવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રૂબરૂ રજૂઆત કરવા જનાર હોવાનું જાણવા મળ્યું છે.









