તા.૨૦/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
મતદાનના દિવસે વાહન વપરાશની પરવાનગી મેળવવાની રહેશે
Rajkot: ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ની જાહેરાત ગત તા. ૧૬ માર્ચના રોજ કરવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે, જે મુજબ સરકારી વાહનોનો પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં.
ચૂંટણી પ્રચાર, ચૂંટણી કામગીરી અથવા ચૂંટણી સંલગ્ન પ્રવાસ માટે સરકારી વાહનોના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈ પણ રાજકીય પદાધિકારી ખાનગી કે સરકારી મુલાકાતો દરમિયાન પાયલોટીંગ કાર કે સાયરન લગાવેલી કાર કે સાંકેતીક કારનો ઉપયોગ કરી શકશે નહીં. ઝેડ પ્લસ સુરક્ષા અપાયેલી હોય, તેઓ રાજયની માલિકીનું એક બુલેટપ્રુફ વાહન વાપરી શકશે.
આ ઉપરાંત, પ્રચાર માટે કે અન્ય હેતુ માટે ઉમેદવારો કે પક્ષના કાર્યકર્તાઓ કે એજન્ટોએ ઉપયોગમાં લેવાના થતા વાહનોની નોંધણી સબંધિત ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં કરાવી, પરવાનગી મેળવી, અસલ પરમીટ વાહનના વિન્ડ સ્ક્રિન ઉપર સહેલાઈથી દેખાય તે રીતે લગાવવાની રહેશે.
લોકસભા સમાન્ય ચૂંટણીના પ્રસંગે મતદાનના દિવસે વાહન વપરાશની પરવાનગી ચુંટણી અધિકારીશ્રીની કચેરી કક્ષાએથી મેળવવાની રહેશે. જેમાં હરીફ ઉમેદવારના પોતાના ઉપયોગ માટે જે તે વિધાનસભા મતદાર વિભાગ માટે એક વાહન, હરીફ ઉમેદવારના ચૂંટણી એજન્ટના ઉપયોગ માટે જે તે વિધાનસભા મતદાર વિભાગ માટે એક વાહન અને વધારેમાં, હરીફ ઉમેદવારના કાર્યકરો અથવા પક્ષના કાર્યકરો માટે પાંચ (ડ્રાઈવર સહીત) કરતા વધારે નહીં તેવી બેઠક ક્ષમતા ધરાવતા એક વાહન માટે મંજૂરી મેળવવી પડશે. આ વાહનનો સબંધિત વ્યકિત સિવાય અન્ય કોઈ ઉપયોગ કરી શકશે નહીં.
તમામ વાહનોનો ખર્ચ ચૂંટણી ખર્ચમાં દર્શાવવાનો રહેશે. કોઈ પણ વાહનો પણ બેનર લગાડી શકાશે નહીં. રોડ શો દરમિયાન ૬ ફુટ x ૪ ફુટનું બેનર હાથમાં લઈ જવાની છુટ છે. ટુ વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર વ્હીલર દીઠ ફક્ત એક જ ધ્વજ મહત્તમ ૧ ફુટ x ૦.૫ ફુટ (મહત્તમ ૩ ફુટની લાકડી/સ્ટીક સાથે) રાખવાની મંજૂરી છે. વાહનો પર એક અથવા બે નાના સ્ટિકરો લગાડી શકાશે કોઈ પણ રોડ શો કે રેલી પૂર્વ મંજુરી વગર યોજી શકાશે નહીં તથા પશુઓના નાટકો યોજી શકશે નહીં. ૧૦ વાહનો બાદ ૧૦૦ મીટરની જગ્યા છોડવાની રહેશે. રોડ શો દરમિયાન પ્રાણીઓના પ્રદર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. વાહનો પર સ્પોટ/ફોકસ/ફલેસીંગ/સર્ચ લાઈટ/હુટર મુકવાની પરવાનગી નથી.
વધુમાં, ખાનગી તથા સરકારી મિલકત અને વાહનોમાં નુકશાન ન થાય તે માટે ચૂંટણી દરમિયાન પ્રચારમાં પોસ્ટર, બેનર વગેરે બનાવવા પ્લાસ્ટીક અને પોલીથીન જેવી સામગ્રીનો ઉપયોગ ટાળવાનો રહેશે. તેમજ પ્રચાર દરમિયાન મિલકતોને કોઈપણ જાતનું નુકશાન ન થાય કે વિકૃતિ ન આવે, તેની કાળજી રાખવાની રહેશે.