નવસારી જિલ્લાનાં સુરખાઈ ખાતે “ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ- પ્રદર્શન” કાર્યક્રમ યોજાયો
પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો ને એક ગાય માટે નિભાવ ખર્ચમાં પ્રતિ માસ રૂપિયા ૯૦૦/-પ્રમાણે સહાય મળશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાકૃતિક કૃષિ થકી દેશ ઉન્નત બને, તથા દેશનો પ્રત્યેક નાગરીક સ્વસ્થ અને તંદુરસ્ત બને અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેમજ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અંબાબેન માહલાની ઉપસ્થિતિમાં શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઇ ચીખલી ખાતે “ “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ”-વ- પ્રદર્શન” કાર્યક્રમનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે ઉપપ્રમુખ એ દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં પ્રતિ માસ રૂપિયા ૯૦૦/- પ્રમાણે સહાય કરે છે. લાભ લેવા ઉપસ્થિત ખેડૂતોને આહવાન કરવામાં આવ્યુ હતુ. તેમજ પરિસંવાદમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં બહેનો હોય નારી શક્તિ દરેક ક્ષેત્રે કેટલી આગળ છે અને આજની કૃષિને માત્ર ને માત્ર નારી જ બચાવી શકે છે એમ કહી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે માહિલાઓને આહવાન કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમમાં નવસારી જિલ્લાના જુદા જુદા તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા કુલ-૩૦ ખેડુતોએ પોતાની પ્રોડક્ટ જેવી કે ગૌમુત્ર અને ગોબર દ્વારા તૈયાર થયેલા વિવિધ પ્રોડક્ટ જેવી કે સાબુ, હેરઓઇલ, મધ, આમળા કેન્ડી, રાગી લોટ, રાગીપાપડી, રાગી બિસ્કીટ, રાગી લાડુ, શાકભાજી, બાગાયતી ફળ, દેશી અનાજ, સરગવો, વિવિધ જાતનું ડાંગર, રતાળુ કંદ, હળદર, હળદર પાઉડર વગેરે વેચાણ કરવામાં આવ્યું હતું. તેમજ કૃષિ સંલગ્ન વિભાગો, વનવિભાગ વગેરે વિભાગોના યોજનાકીય સ્ટોલનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતુ.
“પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ”-વ- પ્રદર્શન” માં પ્રાકૃતિક કૃષિના ઋષિ એવા શ્રી પરીમલભાઇ પટેલ, શ્રી હેમંતભાઇ પટેલ, શ્રી વિપિનભાઇ નાયક, શ્રી મનુભાઇ પટેલ, શ્રીમતિ લક્ષ્મીબેન પટેલ, શ્રીમતિ રેખાબેન પટેલ એમના વક્તવ્યમાં પ્રાકૃતિક કૃષિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કે.વિ.કે. નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. કે.એ.શાહે પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનીક ઢબે માહિતી આપી ખેડુતોને લાભાન્વિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં માજી. ખેત ઉત્પાદન અને સિંચાઇ સમિતિ અધ્યક્ષ પરિમલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાકેશ પટેલ, શ્રીમતી રમીલાબેન પટેલ કાર્યકારી અધ્યક્ષ શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત નવસારી, અગ્રણી સંજય બિરારી, જિલ્લા ખેતી અધિકારી ડો. અતુલ ગજેરા, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) પરેશ કથીરીયા, મદદનીશ ખેતી નિયામક (પા.સં) ચીખલી નિલેશ ગામીત, મદદનીશ ખેતી નિયામક (એગ્રો.) વાંસદા પરેશ કોલડીયા તેમજ મદદનીશ ખેતી નિયામક (પા.સં.) વાંસદાના પ્રફુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.








