આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ઓપરેશન કરીને દર્દીમાંથી ચાર કિલોની અંડાશયની ગાંઠ કાઢવામાં આવી

આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ઓપરેશન કરીને દર્દીમાંથી ચાર કિલોની અંડાશયની ગાંઠ કાઢવામાં આવી
સરકારી હોસ્પિટલ ખાતે મને ખૂબ જ સારી ટ્રીટમેન્ટ મળી, મને નવજીવન મળ્યું – નસરીન ખાતુન
તાહિર મેમણ : ડેડીયાપાડા – 04/03/2024- બિહારના પરંતુ છેલ્લા દસ વર્ષથી આણંદ ખાતે રહેતા ૨૯ વર્ષીય નસરીન ખાતુનને પેટમાં દુખાવો થતો હતો, દવા લીધા બાદ પણ દુઃખાવો મટતો ન હતો, તેથી તેમણે આણંદ ખાતેની જનરલ હોસ્પિટલ ખાતે ચેકઅપ કરાવ્યું. ડોક્ટર દ્વારા સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે માલુમ પડ્યું કે, તેમને મોટી ગાંઠ થઈ જેના કારણે તેમને અસહ્ય દુખાવો થાય છે. આણંદની જનરલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. યાત્રિક પંડ્યાએ આ બહેનની તકલીફ જોઈ તેમને ઓપરેશન માટેની સલાહ આપતા જણાવ્યું કે, તમારું ઓપરેશન સંપૂર્ણ ફ્રી માં થશે એટલે કશી ચિંતા કરવાની જરૂર નથી.
આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.અમર પંડ્યાના માર્ગદર્શન હેઠળ ડોક્ટર દ્વારા દર્દીને દાખલ કરી એનેસ્થેસિયાના ડો. કૃપલ અગ્રાવત, ડો. અક્ષય અને ડો. પલક તથા રીના સિસ્ટરની મદદથી તેમનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
આ ઓપરેશન હાઈરીસ્ક ઓપરેશન હતું તેમ જણાવતાં ડો. અમર પંડયાએ જણાવ્યું કે, ઓપરેશનના આઠ દિવસ બાદ દર્દી એકદમ સ્વસ્થ બનતા તેમને રજા આપવામાં આવી.
નસરીન ખાતુનના થયેલ ઓપરેશનની વાત કરતાં ડો. યાત્રિક પંડ્યા એ કહે છે કે, નસરીન બહેનનું સફળ ઓપરેશન કરી ચાર કિલોની ગાંઠ કાઢવામાં આવી છે. આ ગાંઠ કેન્સરની ગાંઠમાં કન્વર્ટ થાય તો પણ બહેનને તકલીફ પડે અને આ અંડાશયની જ ગાંઠ છે જે ઓપરેશન કરીને કાઢવું ખૂબ જોખમી હતુ, તેમાં અમને સફળતા મળી છે.
સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે થયેલ ઓપરેશન અને ખૂબ સારી સારવારથી સંતોષ વ્યક્ત કરતાં દર્દી નસરીન ખાતુનના પતિએ જણાવ્યું કે, હું છૂટક દરજીકામ એટલે કે મજૂરી કરું
છું. જેમાંથી મને રોજના માંડ ૪૦૦/- રૂપિયા મળે છે. આ આજીવિકામાંથી હું મારા પત્ની તેમજ બે પુત્ર અને એક નાની પુત્રીનું ગુજરાન ચલાવું છું. આ અગાઉ પણ મારા પત્નીની બે ડિલિવરી આજ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી તેથી આ હોસ્પિટલ અને ડોક્ટર્સ પર અમને સંપૂર્ણ શ્રદ્ધા હતી અને તેના કારણે જ અમે બન્ને પતિ-પત્નીએ આ જ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું હતું.
હોસ્પિટલમાંથી રજા મળતાં જ આનંદની લાગણી વ્યક્ત કરતાં દર્દી નસરીન ખાતુને જણાવ્યું કે આ સરકારી હોસ્પિટલ ખાતે મને ખૂબ જ સરસ ટ્રીટમેન્ટ મળી છે, તેનાથી હું ખૂબ જ ખુશ છું. મારા પતિએ ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં કરવા તપાસ કરી તો રૂપિયા દોઢ લાખ જેટલો ખર્ચ થઈ શકે તેમ હતો, જે અમારા માટે શક્ય જ હતું નહીં પરંતુ મને વિશ્વાસ હતો કે આ સરકારી હોસ્પિટલ ખાતે મારી સારી ટ્રીટમેન્ટ થશે અને મને સરસ થઈ જશે. તેમણે સરકારી હોસ્પિટલ ખાતે કોઈપણ જાતના ખર્ચ વગર સારામાં સારી સુવિધા પૂરી પાડી કરવામાં આવેલ તેમના સફળ ઓપરેશન બદલ ડોક્ટર્સની ટીમ અને રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનિય છે કે, આ હોસ્પિટલ ખાતે દર મહિને અંદાજિત ૨૦ જેટલા ગાયનેકના ઓપરેશન, ૬૦ જેટલા સિઝેરિયન અને ૧૦૦ ઉપરાંત નોર્મલ ડિલિવરી કરાવવામાં આવે છે.








