
તા.૦૨.૦૩.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ જિલ્લા માં “એનીમિયા જાગૃતિ અભિયાન” ની શરૂઆત
દાહોદ એ આદિજાતિ બાહુલ્ય વસ્તી ધરાવતો આકાંક્ષી જિલ્લો છે. જેમાં એનીમિયા (પાંડુરોગ) અને સિકલસેલ એનિમિયાનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળે છે. એનીમિયા એ શરીરમાં રક્તકણો અને હોમોગ્લોબિન ની ઉણપના કારણે થાય છે જ્યારે સિકલસેલ એનીમિયા એ વારસાગત રોગ છે, જેમાં રક્તકણો દાંતરડા આકારના થઈ જાય છે. એનીમિયાના કારણે બાળકોના વૃધ્ધિ વિકાસ અવરોધાવો, કાર્યક્ષમતામાં ઘટાડો થવો, થાકી જવુ, હાંફ ચઢવો, અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ અને શારીરિક પ્રવૃત્તિઓમાં નબળો દેખાવ જેવા લક્ષણો જોવા મળે છે. એનીમીયા અને સિકલસેલ એનીમીયાના કારણે સગર્ભા મહિલાઓને પ્રસુતિ દરમ્યાન રક્તસ્ત્રાવની તકલીફ થાય છે, અવારનવાર ગર્ભપાતની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને ઘણીવાર તે મૃત્યુનું કારણ પણ બનતુ હોય છે. એનીમીયાને અટકાવવા માટે દૈનિક આહારમાં આયર્નયુક્ત ખોરાક જેવા કે લીલાં પાંદડાવાળા શાકભાજી, ફળફળાદી, ફણગાવેલા કઠોળ વિગેરેને વિટામીન-સી યુક્ત ખોરાક સાથે લેવા જોઈએ. જ્યારે સિકલસેલ એનીમીયાને અટકાવવા માટે લગ્ન પુર્વે સિકલસેલ અંગેની તપાસ કરાવવી અને સિકલસેલ રોગ ના ધરાવતા હોય તેવી જ વ્યક્તિ સાથે લગ્ન કરવુ જરૂરી છે. આ બાબતો અંગે જનજાગૃતિ લાવી એનીમીયા અને સિકલસેલ એનીમીયા ને અટકાવવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને શિક્ષણ વિભાગ દ્રારા એક “એનીમીયા જાગૃતિ અભિયાન” ની શરૂઆત કરવાનું વિચારણા હેઠળ હતુ જેમાં દર મહિને પ્રથમ મંગળવાર અને ગુરૂવારે સ્થાનિક આરોગ્ય કર્મચારી દ્રારા જિલ્લાની તમામ શાળાઓમાં જઈ એનીમિયા અને સિકલસેલ એનીમીયા કેવી રીતે થાય છે અને કંઈ રીતે અટકાવી શકાય તે અંગે વીડિયો અને પ્રેઝન્ટેશન માધ્યમ થી જનજાગૃતિ કરવામાં આવશે તથા દર ત્રણ માસે સ્થાનિક કોમ્યુનીટી હેલ્થ ઓફિસર અને આર.બી.એસ.કે. ટીમ દ્રારા જનજાગૃતિ કરવામાં આવશે.
આજરોજ દાહોદ જિલ્લામાં “એનીમીયા જાગૃતિ અભિયાન” ની શરૂઆત જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને ઠક્કરબાપા પ્રાથમિક શાળા દાહોદ ખાતેથી કરવામાં આવી, જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, એપીડેમીક મેડિકલ ઓફિસર તાલુકા આરોગ્ય અધિકારી, આર.બી.એસ.કે. ટીમ તથા આરોગ્ય અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ હાજર રહેલ હતા. આ મુજબ જ તમામ તાલુકાઓમાં પણ અભિયાનની શરૂઆત શાળાઓમાં પદાધિકારી/અધિકારી ની ઉપસ્થિતિમાં કરવામાં આવી








