
તા.૧/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ જાડા ધાન્યમાંથી બનાવેલ વાનગીઓનો આસ્વાદ માણ્યો
મિલેટ એક્સ્પોમાં નાગરિકો માટે ૫૦ જેટલા પ્રદર્શન કમ વેચાણ સ્ટોલ સાથે ૬ લાઈવ ફૂડ સ્ટોલ
Rajkot: રાજકોટ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીના હસ્તે ત્રિ-દિવસીય મિલેટ મહોત્સવ-૨૦૨૪નો શુભારંભ કરવામાં આવ્યો હતો. કૃષિ અને સહકાર વિભાગ દ્વારા રાજકોટના નાના મવા સર્કલ ખાતે તા. ૧ થી ૩ માર્ચ દરમિયાન મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં મિલેટ્સ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. નિરોગી સ્વાસ્થ્ય માટે મિલેટ (જાડા ધાન્ય) તરફ વળવું ખૂબ જરૂરી છે. તંદુરસ્તીમાં વધારો કરવા માટે ભોજનમાં જાડા ધાન્યો ઉપયોગ ખૂબ લાભદાયી છે. પ્રવર્તમાન સમયમાં લોકોના ખોરાકમાં જંક ફૂડનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે મહિલાઓને રોજિંદા જીવનમાં કોદરી, બાજરી, જુવાર અને કાંગ જેવા ધાન્યોનો ઉપયોગ વધારવા અને જાડા ધાન્યમાંથી વિવિધ વાનગીઓ બનાવવા અપીલ કરી હતી. તેમજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રાકૃતિક ખેતી તરફ વળવાની મુહિમને સાર્થક કરવા સૌ ખેડૂત મિત્રોને આહવાન કર્યું હતું.
આ તકે સાંસદ શ્રી રામભાઈ મોકરીયાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી દેશ આજે વિકાસના સુવર્ણ સમય તરફ આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રીશ્રીના સંશોધનના પ્રતાપે આજે મિલેટસને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે. તેમણે શ્રી ધાન્ય પકવતા ખેડૂતોની પણ આવક વધે તે માટે પ્રોત્સાહક પગલાંઓ લઈ લોકોને આ ધાન્યોના ગુણોથી અવગત કરાવ્યા છે. આ શ્રી ધાન્યની પ્રાકૃતિક ખેતી થાય તે માટે રાજયપાલશ્રી પણ દરકાર લઈ રહ્યા છે. ત્યારે ભાવિ પેઢીના બાળકો પણ મિલેટની વસ્તુઓનો ઉપયોગ કરે તેવી સાંસદશ્રીએ અપીલ કરી હતી.
ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહે મિલેટના ફાયદાઓ જણાવી કહ્યું હતું કે,. રાજય સરકાર દ્વારા શ્રી ધાન્યનુ વાવેતર વધે તે માટે બજેટમાં ખાસ ૩૭ કરોડની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. મિલેટને રોજિંદા વપરાશમાં લેવાથી કૉલેસ્ટ્રૉલ, ડાયાબિટીસ જેવા રોગોથી મુકત થઈ શકાય છે. આમ, મિલેટને જીવનમાં વણી લેવા ધારાસભ્યશ્રીએ અનુરોધ કર્યો હતો.
મહાનુભાવોએ મિલેટ મહોત્સવમાં વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્ટોલ ધારકો સાથે તેમના ઉત્પાદનો વિષે માહિતી મેળવી હતી તેમજ ઉત્પાદનોનો સ્વાદ માણ્યો હતો.
આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિ અને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતી “ધરતી કરે પુકાર” નાટિકા રજૂ કરવામાં આવી હતી. રાજકોટની સ્વાદપ્રેમી જનતાએ મિલેટ લાઈવ ફુડ ઝોન પરથી પરંપરાગત કાંગની ખીચડી, રાગીની કઢી જેવી વાનગીઓ સાથે મિલેટ પિત્ઝા, મિલેટ ભેળ જેવી આધુનિક વાનગીઓની લહેજત માણી હતી.
મિલેટ મહોત્સવમાં જિલ્લા પંચાયત સમિતિના ચેરમેનશ્રીઓ અલ્પાબેન તોગડિયા, શ્રી લીલાબેન ઠુંમર, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.કે.વસ્તાણી,ખેતીવાડી અધિકારી શ્રી તૃપ્તિબેન પટેલ, બાગાયત અધિકારીશ્રી આર. એચ. લાડાણી, વૈજ્ઞાનિકશ્રીઓ ડો. બી.એચ.હિરપરા, ડો. જી.બી.મારવીયા, મિલેટ સ્ટોલ ધારકો તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.