
આણંદ ઝારોલા હાઇસ્કુલમાં સ્ટ્રેસ મેનેજમેન્ટનો સેમીનાર યોજાયો.
તાહિર મેમણ : 22/02/2024- આધુનિક ટેકનોલોજીના યુગમાં જેમ જેમ સુવિધાઓ વધતી ગઈ તેમ તેમ વ્યક્તિના જીવનમાંથી ખુશી અને શાંતિ ઓછી થતી જાય છે અને તનાવ વધતો જાય છે. વિદ્યાર્થી, શિક્ષક, આચાર્ય, કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારી, અધિકારી, કોઈપણ વ્યવસાયકાર, નેતા, અભિનેતા આ તમામ વ્યક્તિઓ રોજબરોજના જીવનમાં હંમેશા તનાવમાં રહેતી જોવા મળે છે. જ્યારે વ્યક્તિ તનાવ ગ્રસ્ત બને છે ત્યારે તેની સૌથી મોટી અસર તેની તંદુરસ્તી પર પડે છે. વ્યક્તિને માથાનો દુખાવો અને પછી ધીમે ધીમે અન્ય બીમારીઓ લાગુ પડે છે. તનાવગ્રસ્ત વ્યક્તિ આવેશ અને ગુસ્સામાં કોઈનો જાન લેવા સુધી નિમ્ન કક્ષાએ જતો રહે છે અથવા આત્મહત્યા પણ કરતો જોવા મળે છે. શાળા કક્ષાએ વિદ્યાર્થીઓમાં સામાન્ય રીતે અભ્યાસક્રમ તથા પરીક્ષાના નબળા પરિણામને લઈને તનાવ જોવા મળે છે. વિદ્યાર્થીઓ તનાવ મુક્ત રહે અને કોઈપણ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે યોગ્ય પ્રયત્ન કરે તે માટે સીવીએમ સંચાલિત એમબીઆઇટી કોલેજના પ્રોફેસર જયવીરસિંહ તથા શ્યામ સર દ્વારા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઇસ્કુલના ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને સ્ટ્રેસ મેનેજમેન્ટ અંતર્ગત ખૂબ સુંદર માહિતી આપી હતી. તેમના વક્તવ્ય બાદ વિદ્યાર્થીઓ ઘણા હળવા બન્યા હતા . શાળાના આચાર્ય નવીનભાઈ પટેલે બંને પ્રોફેસર મિત્રોનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.