
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના મેઘમહેર યથાવત રહેતા જંગલ વિસ્તારમાં આવેલ નાનકડા ઝરણાઓ અપ્રિતમ સૌંદર્યની સાથે ખીલી ઉઠયા…
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.ડાંગ જિલ્લાના ગામડાઓમાં સતત ચાર દિવસથી વરસાદી મહેર યથાવત રહેતા ખરા અર્થમાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થયેલ જોવા મળ્યો છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વિધિવત રીતે ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા ખેડૂતો હોંશે હોંશે ખેતરોમાં જોતરાય ગયા છે. ડાંગ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ પડતા નદીઓમાં પણ થોડાક અંશે નવા પાણીનાં નીર આવ્યા છે.તો બીજી તરફ જંગલ વિસ્તારમાં આવેલ નાનકડા ઝરણાઓમાં પણ પાણીની આવક વધતા અપ્રિતમ સૌંદર્યની સાથે ખીલી ઉઠ્યા છે.ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ લાંબા અંતરાલ બાદ બેઠી છે.તેવામાં વરસાદી માહોલનું જોર વધવાની સાથે ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ચોથા દિવસે ખેતરોનાં ક્યારડાઓ પાણીથી ઉભરાયા હતા. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,ચીખલી,સાકરપાતળ, વઘઇ,ઝાવડા, ભેંસકાતરી,કાલીબેલ,બરડીપાડા, સુબિર,સિંગાણા,સુબિર, ચીંચલી,આહવા,ગારખડી તથા સરહદીય પંથકોમાં સતત ચોથા દિવસે ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળી હતી.ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં વરસાદી માહોલની સાથે ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા લીલીછમ ગીરીકન્દ્રાઓ વિલુપ્ત થઈ ગઈ હતી.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ બાદ થોડા સમય માટે સર્જાયેલ ધુમ્મસિયા વાતાવરણનાં પગલે વાહનચાલકોને હેડલાઈટ સહીત સિગ્નલ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી.ઉલ્લેખનીય છે કે, આ સાથે આહવા નગરને પાણી પૂરું પાડતા ભીસ્યા ડેમમાં પણ નવા વરસાદી નીર આવ્યા છે.જેને લઈને આહવા નગરજનોમાં ખુશી વ્યાપી જવા પામી છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 67 મિમી અર્થાત 2.68 ઈંચ, વઘઇ પંથકમાં 95 મિમી અર્થાત 3.8 ઈંચ, સુબિર પંથકમાં 97 મિમી અર્થાત 3.88 ઈંચ, જ્યારે સૌથી વધુ આહવા પંથકમાં 100 મિમી અર્થાત 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો…





