GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મુંજકામાં મોડેલ મતદાન બૂથ નાગરિકોને આપશે મતદાનનો અનોખો અહેસાસ

તા.૬/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

દિવ્યાંગ સંચાલિત બૂથ નાગરિકોમાં વધારશે મતદાનનો જુસ્સો

Rajkot: લોકશાહીના અવસર સમાન લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન. કે. મુછારના માર્ગદર્શનમાં ન્યાય, શાંતિપૂર્ણ અને મુક્ત વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સાથે નાગરિકોમાં મતદાનનો ઉત્સાહ જગાવવા તથા તેમને અનેરો અહેસાસ આપવા મોડેલ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.

જે અન્વયે ૭૧ – રાજકોટ ગ્રામ્ય (અનુસુચિત જાતિ) વિધાનસભા મતદાન વિભાગ અંતર્ગત મુંજકા ગામમાં નવી પ્રાથમિક શાળા ખાતે મતદાન મથક નંબર ૧ને મોડેલ બૂથ અને મતદાન મથક નંબર ૨ને PwD બૂથ તરીકે ઊભાં કરવામાં આવ્યા છે. અહીં મંડપ, સાઈન બોર્ડ, મતકુટીર, મતદાન પ્રક્રિયાની સમજ આપતા બેનર સહીત ચૂંટણી પ્રક્રિયાની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

અહીં આદર્શ મતદાન મથકમાં ૭૩૮ પુરુષો અને ૭૧૩ સ્ત્રીઓ મળીને કુલ ૧૪૫૧ મતદાતાઓ નોંધાયેલા છે. આ બૂથ ‘પાણી બચાવો’ થીમ આધારિત તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં બેનર અને હોર્ડિંગ થકી મતદાનની સાથે જીવનમાં પાણીની આવશ્યકતા અંગે જાણકારી આપવામાં આવી છે. તેમજ મતદાતાઓને આકર્ષવા સેલ્ફી પોઈન્ટ્સ પણ રાખવામાં આવ્યા છે.

ઉપરાંત, દિવ્યાંગ મતદાન મથકમાં ૫૧૪ પુરુષો અને ૪૬૮ સ્ત્રીઓ મળીને કુલ ૯૮૨ મતદાતાઓ નોંધાયેલા છે. આ બૂથની વિશેષતા એ છે કે અહીં પ્રિ-સાઈડીંગ ઓફિસર, ત્રણ પોલીંગ ઓફિસર અને પ્યુન શારીરિક દિવ્યાંગતા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે શાળામાં દિવ્યાંગોની સરળતા માટે રેમ્પની સુવિધા પણ ઉપલબ્ધ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button