કુસ્તીબાજોની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, WFI ચીફ બ્રિજભૂષણ સામે આજે FIR નોંધાશે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં કહ્યું

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ દ્વારા કથિત જાતીય ગેરવર્તણૂક સામે દેશના ટોચના કુસ્તીબાજોની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું કે, આજે જ FIR દાખલ કરવામાં આવશે. મુખ્ય ન્યાયાધીશે પોલીસને મહિલા કુસ્તીબાજોને સુરક્ષા આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી કુસ્તીબાજો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કેસ નોંધવાની તેમની વિનંતી પર તાત્કાલિક સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કુસ્તીબાજોની વિનંતી પર સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ જારી કરીને પૂછ્યું છે કે, તેમના આરોપો પર કેમ કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.
દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, તેણે કુસ્તીબાજોની ફરિયાદ પર WFIના વડા બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR દાખલ કરવાનો નિર્ણય લીધો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, આજે FIR દાખલ કરવામાં આવશે.










