
નવી દિલ્હી : સરકારે વ્યાપક પાયા પર ઉપયોગમાં લેવાતી ૪૧ જીવનરક્ષક દવાઓની કિંમતમાં ઘટાડો કરતાં આ પગલાંથી સામાન્ય લોકોને રાહત થશે. સરકારે ડાયાબિટીસ, હૃદયની તકલીફો, લિવર તથા અન્ય રોગોમાં ઉપયોગમાં લેવાતી જાણીતી ૪૧ દવાઓ અને છ ફોર્મ્યુલેશન્સના ભાવમાં ઘટાડો કર્યો છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ) આ ભાવઘટાડાનો નિર્ણય લીધો હતો.
ફાર્માસ્યુટિકલ વિભાગના જાહેરનામા મુજબ ડાયાબિટીસ, બોડી પેઇન, કાર્ડિયોવાસ્ક્યુલર કંડિશન્સ, લિવર, એન્ટાએસિડ્સ, ઇન્ફેકશન્સ અને એલર્જીની સારવારમાં ઉપયોગમાં લેવાતી તથા મલ્ટી વિટામિન અને એન્ટિબાયોટિક્સના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
ભારતમાં દસ કરોડથી વધુ ડાયાબિટીસના દર્દીઓ છે. આમ ભારત વિશ્વમાં સૌથી વધુ ડાયાબિટીસના દર્દી ધરાવતા દેશોમાં સ્થાન પામે છે. તેથી દવાના ભાવમાં ઘટાડો થવાથી ડાયાબિટીસના દર્દીઓને નોંધપાત્ર ફાયદો થશે. દવાના ભાવમાં ઘટાડો થવાથી ઇન્સ્યુલિન પર આધારિત દર્દીઓને નોંધપાત્ર ફાયદો થશે.
એનપીપીએના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દવાઓ અને ફોર્મ્યુલેશન્સના ભાવમાં ફેરફાર કરવો તે એનપીપીએ જેવી નિયમનકાર સંસ્થા માટે દર વખતે યોજવામાં આવતી સામાન્ય કવાયત છે. અમે તે સુનિશ્ચિત કરીએ છીએ કે આ દવાની ભાવ ટોચમર્યાદા બાંધવાના લીધે તે જાહેર જનતા માટે પોષણક્ષમ ભાવે ઉપલબ્ધ રહે.
લિવરમાં ગ્લુકોઝનું નિર્માણ ઘટાડીને લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડતી દવા ડેપગ્લિફોઝિન મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડની ટેબ્લેટનો ભાવ ૩૦ રુપિયાથી ઘટાડીને ૧૬ રૂપિયા કરવામાં આવ્યા છે.
અસ્થમાના લક્ષણોને કંટ્રોલ કરીને ફેફસાની કાર્યપ્રવૃત્તિમાં સુધારો કરતી બ્યુડસોનિડ અને ફોરમોટેરોલ જેવા સંયોજનોનો ભાવ ઘટાડીને પ્રતિ ડોઝ ૬.૬૨ રુપિયા કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે તેના ૧૨૦ ડોઝની બોટલ ૩,૮૦૦ રુપિયા આવે છે. આ જ રીતે બ્લડપ્રેશર ઘટાડવા ઉપયોગમાં લેવાતી દવા હાઇડ્રોક્લોરોથિયાઝાઇડનો ભાવ રુ. ૧૧.૦૭થી ઘટાડીને રુ. ૧૦.૪૫ કરવામાં આવ્યો છે. ઇન્ફેક્શન માટેની દવા સેફ્ટાઝિડાઇમ અને એવીબેક્ટમનો ભાવ પ્રતિ વાયલ ૪,૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૧,૫૬૯.૯૪ રુપિયા કરવામાં આવ્યો છે. એન્ટાએસિડ એન્ટિગેસ જેલનો ભાવ પ્રતિ એક એમએલે ૨.૫૭ રુપિયાથી ઘટીને ૦.૫૬ રુપિયા થઈ ગયો છે.
અટોરવેસ્ટાટિન, ક્લોપિડોગ્રેલ અને એસ્પિરિનની કેપ્સ્યુલનો ભાવ એક કેપ્સ્યુલના ૩૦ રુપિયાથી ઘટાડીને ૧૩.૮૪ રુપિયા કરવામાં આવ્યો છે. અગાઉ મલ્ટિવિટામીન અને એન્ટિબાયોટિકના ઊંચા ભાવના લીધે જનરલ ટ્રીટમેન્ટનો ખર્ચ ઊંચો આવતો હતો. ગયા મહિને ફાર્માસ્યુટિકલ્સ વિભાગે ૯૨૩ ડ્રગ ફોર્મ્યુલેશન્સની ભાવટોચમર્યાદામાં સુધારો કર્યો હતો. તેની સાથે ૬૫ ફોર્મ્યુલેશન્સના રિટેલ ભાવમાં સુધારો કર્યો હતો. આ ફેરફાર પહેલી એપ્રિલથી અમલમાં આવ્યો હતો.
આ વર્ષે અગાઉ એનપીપીએ ડાયાબિટીસ અને હાઇપરટેન્શનમાઁ ઉપયોગમાં લેવાતી ૬૯ દવાઓના ભાવમાં ઘટાડો કર્યો હતો.










