Supreme-Court : પારદર્શિતા જાળવો અને બદલો લેવાની ભાવનાથી કામ ન કરો, EDને સુપ્રીમ કોર્ટની સલાહ

સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને કામમાં પારદર્શિતા જાળવવા અને બદલાની ભાવનાથી કામ ન કરવાની સલાહ આપી છે. જસ્ટિસ એએસ બોપન્ના અને સંજય કુમારની બેન્ચે એસ્ટેટ ગ્રુપ M3Mના ધરપકડ કરાયેલા ડિરેક્ટરોની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, “EDએ પારદર્શક હોવું જોઇએ. બોર્ડથી ઉપર હોવું જોઇએ. નિષ્પક્ષતા-અખંડિતતાના પ્રાચીન ધોરણોને અનુરૂપ હોવું જોઇએ અને તેના અભિગમમાં બદલાની લાગણી ન હોવી જોઇએ.”
14 જૂનના રોજ, EDએ M3M ગ્રુપના ડિરેક્ટર્સ પંકજ અને પસંત બંસલને કથિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા. પૂછપરછ પછી EDએ બન્નેની ધરપકડ કરી હતી. પંકજ અને બસંતે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 19 હેઠળ તેમની ધરપકડને ગેરકાયદે ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.બન્નેએ ધરપકડ રદ કરવાના આદેશને પડકાર્યો હતો.
લૉ ટ્રેંડ અનુસાર, સુપ્રીમ કોર્ટે ગુરૂગ્રામમાં આવેલી કંપનીના બન્ને ડિરેક્ટરને જામીન આપ્યા છે. કોર્ટે વકીલોની દલીલ સાંભળ્યા પછી 11 સપ્ટેમ્બરે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે EDએ આરોપીઓને લેખિત નકલ આપ્યા વિના ધરપકડનું કારણ મૌખિક રીતે આપવામાં આવ્યું હતું જે ગંભીર છે.પીઠે કહ્યું, “આ EDની કાર્યશૈલી પર ખરાબ અસર કરે છે, ખાસ કરીને ત્યારે જ્યારે એજન્સી પર દેશની આર્થિક સુરક્ષાની જવાબદારી છે.”