
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્ક ખાતે, વન અને પર્યાવરણ વિભાગ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં “વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર”નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે વાંસદા નેશનલ પાર્કમા પ્રથમવાર વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર શરૂ થતા અહીં પ્રાણી અને પશુઓની સારવાર ઝડપથી થશે તેમ જણાવ્યું હતું. આ અગાઉ ઇજાગ્રસ્ત પ્રાણીઓને જૂનાગઢ અને પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવતા હતા. જેમાં પડતી મુશ્કેલીઓથી વન વિભાગને રાહત મળશે. આ સાથે દીપડા જેવા પ્રાણીઓને રેસ્ક્યુ કરવા માટે અહીં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ વાન પણ શરૂ કરવામાં આવેલ છે.
ગુજરાતમા સૌ પ્રથમવાર હાઇડ્રોલિક સિસ્ટમની વાન અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનાથી પ્રાણીઓનું રેસ્ક્યુ સરળતાથી થઈ શકશે. દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી રવિ રાધાક્રિષ્ના પ્રસાદે “વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર” ની સુવિધાઓથી સૌને વાકેફ કરાવ્યા હતા. સમગ્ર દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, નર્મદા તેમજ ડાંગ જિલ્લાના જંગલમાંથી વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરી, વાંસદા નેશનલ પાર્કના નવતાડ ખાતેના વન્ય પ્રાણી સારવાર કેન્દ્રમા સારવાર અર્થે લાવવામાં આવશે. અહીં ઘવાયેલા પશુઓ તેમજ પ્રાણીઓને પ્રાથમિક આરોગ્ય સારવાર પુરી પાડવામાં આવશે. વન્ય પ્રાણી સારવાર કેન્દ્રમા પ્રાણીઓ તેમજ પશુઓને રેસ્ક્યુ કરવા માટેના સાધનો ઉપલબ્ધ છે. તેમ શ્રી રવિ રાધાક્રિષ્ના પ્રસાદે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું.
આ પ્રંસગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી મનીશ્વર રાજા, ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, આઈ.એફ.સે શ્રી સુરેશ મીના, વાંસદા પ્રાંત અધિકારી શ્રી ડી.આઈ.પટેલ, એ.સી.એફ. સુશ્રી આરતી ભાભોર, વાંસદા નેશનલ પાર્કના અધિક્ષક સુશ્રી ફરિદા વળવી તેમજ વન કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.