લીવ ઈન પાર્ટનર સરસ્વતી વૈદ્યની હત્યા કરી તેના શરીરના ટુકડા કરી નાખનાર મનોજ સાનેએ સનસનીખેજ ખુલાસા કર્યા

મુંબઈમાં પોતાની લીવ ઈન પાર્ટનર સરસ્વતી વૈદ્યની હત્યા કરી તેના શરીરના ટુકડા કરી નાખનાર મનોજ સાનેએ સનસનીખેજ ખુલાસા કર્યા છે. હવે પોલીસની તપાસમાં એ વાત સામે આવી છે કે મનોજ સેક્સનો વ્યસની હતો. તે ઘણી બધી ડેટિંગ એપ પર યુવતીઓના સંપર્કમાં હતો. આ બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થતો હતો. હત્યારાએ પોલીસને જણાવ્યું કે તેને એઈડ્સ છે અને તે નપુંસક છે. તેના આ દાવાની પુષ્ટિ કરવા માટે પોલીસ તેનો મેડિકલ ટેસ્ટ કરાવશે.
પ્રાઈમરી ઈન્વેસ્ટિગેશનના આધારે પોલીસ એવું માની રહી છે કે સરસ્વતીની હત્યા ડેટિંગ એપ્સ પર થયેલી લડાઈના કારણે થઈ હશે. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે આરોપી પોર્નોગ્રાફિક વેબસાઈટ પર સક્રિય હતો. એનાથી તે ઘણી યુવતીઓના સંપર્કમાં હતો. તેના મોબાઈલ ફોનમાંથી ઘણી અશ્લીલ તસવીરો પણ મળી આવી છે.
સાનેનો દાવો છે કે સરસ્વતીએ આત્મહત્યા કરી છે. પરંતુ, પોલીસ આ વાત સ્વીકારવા તૈયાર નથી. મીરા ભાઈંદર ઝોનના ડીસીપી જયંત ભજબળેનું કહેવું છે કે મનોજે તેની હત્યા કરી છે. તેણે આ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો એની હાલમાં તપાસ ચાલી રહી છે. સાને સિવાય સરસ્વતી કોઈને ઓળખતી ન હતી કે ના તો કોઈ તેને ઓળખતું હતું. તે આખો દિવસ ફ્લેટમાં જ રહેતી. સાનેએ તેની બહેનનો સંપર્ક પણ કરવા દીધો ન હતો. પોલીસનું કહેવું છે કે તે બંને છેલ્લા ત્રણ વર્ષથી મીરા રોડ ઈસ્ટ પર ગીતા આકાશદીપ બિલ્ડિંગના સાતમા માળે રહેતો હતો.
અત્યાર સુધીની તપાસમાં એ વાત સામે આવી છે કે સાનેએ સરસ્વતીના મૃતદેહનો નિકાલ કરવા માટે ઇલેક્ટ્રિક કરવત અને ચાકુથી ટુકડા કર્યા હતા. લાશના ટુકડા કરવામાં આરીની ચેન પણ તૂટી ગઈ હતી. પોલીસને તેના ફ્લેટમાંથી જંતુનાશક દવા પણ મળી આવી છે. હવે સરસ્વતીનું મોત જંતુનાશક દવાના લીધે થઈ તેની પણ પોલીસ માહિતી મેળવી રહી છે.
પોલીસનું કહેવું છે કે પડોશીઓએ કહ્યું કે મનોજ સાને પોતાના ફ્લેટમાંથી કાળી કોથળી લઈને બહાર આવ્યો ત્યારે લોકોને કહ્યું કે તે 10.30 વાગ્યા સુધીમાં પરત આવી જશે. પાડોશીઓને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસ મનોજના ફ્લેટ પર પહોંચી અને દરવાજો ખટખટાવ્યો. લાંબા સમય સુધી અંદરથી કોઈ જવાબ ન મળતાં પોલીસે દરવાજો તોડી નાખ્યો હતો. ત્યાંથી દુર્ગંધ આવી રહી હતી.










