
તા.૩/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
સાફલ્યગાથા: દિવ્યા ત્રિવેદી
રાજ્ય સરકાર દ્વારા બાળકોને કુપોષણમુક્ત કરવા અભિયાન હાથ ધરાયું છે.બાળકોમાં પોષણના અભાવે અનેક પ્રકારની વિકાસને લગત તકલીફો ઉત્પન્ન થતી હોય છે, જેમ કે બાળકનું વારંવાર બીમાર પડવું,બાળકને જલ્દી થાક લાગવો, સમજવામાં વાર લાગવી, બાળકનો શારીરિક વિકાસ પુરતો ન થવો, આ દરેક લક્ષણો કુપોષણના છે. કુપોષિત બાળકનો વિકાસ રૂંધાતા બાળક સામાન્ય જીવન જીવી શકતું નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા ‘કુપોષણ મુક્ત ભારત- સુપોષિત બાળક”નેમ હાથ ધરી કુપોષિત બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટેની સ્થાયી વ્યવસ્થા CMTC એટલે કે ચાઈલ્ડ માલ ન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટર જેને કુપોષણ સારવાર કેન્દ્ર તરીકે અનેક તાલુકાઓમાં શરૂ કરવામાં આવ્યું છે. આવા જ એક સી.એમ.ટી.સી. જામકંડોરણામાંથી ૧૬ મહિનાની ક્રિશવી હવે કુપોષણથી મુક્ત થઈ ચહેરા પર તંદુરસ્તીની લાલિમા સાથે પોતાના ઘરે પરત ફરી છે.
જામકંડોરણા તાલુકાના ધોળીધર ગામ ખાતે રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની આર.બી.એસ.કે.ટીમ દ્વારા બાળકોની આરોગ્ય તપાસ માટે હોમ વિઝીટ લેવામાં આવી રહી હતી. આ દરમિયાનમાં ક્રિશવીની તપાસ કરતા તે કુપોષિત જણાતા આર.બી.એસ.કે. ટીમ દ્વારા તેને આર.બી.એસ.કે.ની ગાડી મારફતે જ સી.એમ.ટી.સી. જામકંડોરણા ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી.પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે પરિવારને યોગ્ય માર્ગદર્શન ન મળતા બાળકી કુપોષણથી પીડાતી હતી. ક્રિશવીને સારવાર માટે સી.એમ.ટી.સી. જામકંડોરણા ખાતે રાખવા પરિવારને સમજાવવું એ મહેનત માગી લે તેવું કામ હતું પરંતુ આર.બી.એસ.કે.ના કાઉન્સેલિંગ એમ.ઓ. ડો.શીતલ સરીખડા તેમજ ડો.દાનસિંહ દ્વારા ક્રિશવીને દાખલ કરવિની સાથે જ તેના પરિવારને આ વિશેની સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી, પરિવારે ગંભીરતા સમજી દીકરીને ૧૪ દિવસની સઘન સારવાર અપાવી, અને પૂરતી ખાનપાનની કાળજી સાથે હવે ક્રિશવી કુપોષણથી મુક્ત બની છે. સારવાર પહેલાના વજનની સરખામણીએ આજે તેનુ વજન ૫૩૦ ગ્રામ વધ્યું છે.
સુપોષિત ક્રિશવી આજે તંદુરસ્તીની લાલાશ સાથે પોતાના પરિવાર પાસે પહોંચી છે ત્યારે ક્રિશવીના પિતા ભાવેશભાઈ ગુજરાતી અને સમગ્ર પરિવારે રાજ્ય સરકારની આરોગ્ય વિભાગની આવી ઉત્તમ વ્યવસ્થા અને તેનો લાભ આપવા બદલ મુખ્યમંત્રીશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી સી.ડી.એચ.ઓ. ડો. નિલેશ રાઠોડ અને આર.બી.એસ.કે. ટીમના સર્વે સભ્યો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.