
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આધુનિક લાઈફ સ્ટાઈલની ભાગદોડ વચ્ચે આજે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અંતર વધી રહ્યું છે. વર્ચ્યુઅલ રીતે નજીક લોકો, વાસ્તવિક જીવનમાં પરસ્પર એકલા અટુલા થઈ રહ્યા છે. ત્યારે આજે ચારેકોર નાસીપાસ થતા લોકોની સંખ્યા વધી રહી છે.
આવી અપસેટ, ડિસ્ટર્બડ વ્યક્તિઓને પ્રેમ, હૂંફ, સાન્નિધ્ય, અને સ્વયંમાં આત્મવિશ્વાસ જગાવી, તેમની ક્ષમતાઓને ઓળખી, જીવનની સાચી રાહ પર લાવવાનું કામ, તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે થઈ રહ્યું છે તેમ, બ્રહ્મવાદિની હેતલ દીદીએ જણાવ્યું હતું.
પ્રકૃતિ, સંસ્કૃતિ, અને આધ્યાત્મિકતાના ત્રિવેણી સંગમ સમા વાસુરણા ધામ ખાતે તાજેતરમાં જ સંપન્ન થયેલી બે દિવસીય ‘આત્મખોજ શિબિર’ ના સમાપન ટાણે દીદીએ પોતાનો ઉપર મુજબનો ભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સાંપ્રત સમયે સમાજની શારીરિક, આર્થિક, પારિવારિક, અને માનસિક તકલીફોમાંથી વ્યક્તિને બહાર લાવવાની વિચારધારા સાથે કાર્યરત, ૧૨૦૦ થી વધુ પરિવારથી બનેલી સંસ્થા ‘બ્લીસ ઇન્ટરનેશનલ ગ્રુપ’ દ્વારા ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં ૧ લાખ પરિવારોને પોતાની સાથે સાંકળી, તેમને જીવનનો આનંદ આપવાના મિશનના ભાગરૂપે, ગુજરાતમાં ડાંગ જિલ્લાના વાસુર્ણા સ્થિત ‘તેજસ્વિની સંસ્કૃતિ ધામ’ ખાતે બ્રહ્મવાદિની હેતલ દીદીના સન્નીધ્યે, બે દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
બ્લીસ ઇન્ટરનેશનલ ગ્રુપના દરેક વ્યક્તિના શારીરિક, આર્થિક, પારિવારિક, માનસિક, અને આઘ્યાત્મિક વિકાસથી રાષ્ટ્ર વિકાસના આ કાર્યમાં યુવાનો, વડીલો, સ્ત્રીઓ, નોકરિયાતો, અને બિઝનેસમેન, કુદરતે આપેલા અમૂલ્ય જીવનને આનંદથી માણી શકે, અને આવનારી પેઢીને પણ ચિંતામુક્ત જીવન આપી શકે, તેવા હેતુથી સુશ્રી હેતલ દીદી દ્વારા ઊર્જાસભર વક્તવ્ય, ધ્યાન સાધનાનો લાભ બે દિવસ સુધી શિબિરાર્થીઓને મળવા પામ્યો હતો.
સાથે સાથે સ્વભાવે સરળ, મળતાવડા અને ઊર્જાનો સ્ત્રોત એવા શ્રી કેતનભાઈ ભીંગરાડીયાના પોતાના અનુભવની સાથે સાથે ધ્યાન સાધનાને અનુરૂપ, અને વિચારોની ગડમથલને શાંત કરે તેવું કુદરતી વાતાવરણ પણ તેજસ્વિની સંસ્કૃતિ ધામમાં સૌને માણવા મળ્યું હતું.
સવારે ધ્યાન, વ્યાયામ, સાત્વિક ભોજન, રહેવાની ઉત્તમ સગવડ, સમાજના બંધિયાર વાતાવરણથી અલગ જ મોકળાશ ભર્યું આકાશ, સંધ્યા ટાણે આરતી, રાત્રિ સત્સંગના ડાયરા, અને બસ ‘ખૂટે તો જિંદગી ખૂટે’ તેવી કુદરતની દેન, અને ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેવી જગ્યા, એટલે તેજસ્વિની સંસ્કૃતિ ધામ.
આ સમગ્ર વ્યવસ્થામાં સમય અને થાકની પરવાહ કર્યા વગર સતત ખડે પગે રહેનારા સર્વશ્રી હરિભાઈ, ધનસુખભાઈ અને સમગ્ર તેજસ્વિની સંસ્કૃતિ ધામના સેવાભાવી સેવકોની દેવાનો લ્હાવો પણ સૌએ લીધો હતો.
વ્યક્તિને સફળ જીવનનો આનંદ અપાવવા માટે, બ્લીસ ઇન્ટરનેશનલ ગ્રુપ વતી તેના પાયાના વ્યક્તિ એવા સર્વશ્રી સુરેશ ચલોડિયા, ભરત પટેલ, યશ રાણા, ભવ્ય શાહ, વિક્રમ સુથાર, રાકેશ મિસ્ત્રી, અને નિલેશ કોરાટના દ્રઢ સંકલ્પથી સુશ્રી હેતલ દીદી દ્વારા સાથ, સમજ, સંસ્કાર પૂરવાનું સરસ કાર્ય સંપન્ન થયું હતું.