
આસામમાં પૂરને કારણે સ્થિતિ ગંભીર બનેલી છે. આસામના 19 જિલ્લાના લગભગ 4.89 લાખ લોકો પ્રભાવિત થયા છે. છેલ્લા 24 કલાકમાં નલબાડી જિલ્લામાં પૂરના પાણીમાં ડૂબતા એક વ્યક્તિનું મોત થયુ છે. આસામમાં મૃતકોની સંખ્યા 2 થઇ ગઇ છે.
બ્રહ્મપૂત્ર સહિત રાજ્યની મુખ્ય નદીઓ વિવિધ સ્થળો પર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસ ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે જેનાથી જળસ્તર વધવાની આશંકા છે.
આસામમાં પૂરથી આશરે 5 લાખ લોકો પ્રભાવિત થયા છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પૂર રિપોર્ટ અનુસાર, એકલા બજાલી જિલ્લામાં લગભગ 2.67 લાખ લોકો પ્રભાવિત થયા છે, તે બાદ નલબાડીમાં 80,061 લોકો, બારપેટામાં 73,233 લોકો, લખીમપુરમાં 22,577 લોકો, દર્રાંગમાં 14,583 લોકો, તામુલપુરમાં 14180 લોકો પ્રભાવિત થયા છે. બક્સામાં 7,282 લોકો, ગોલપારા જિલ્લામાં 4,750 લોકો પ્રભાવિત થયા છે.
આસામના સાત જિલ્લામાં 83 રાહત શિબિરમાં 14,000થી વધુ લોકો શરણ લીધેલા છે, જ્યારે અન્ય 79 રાહત વિતરણ કેન્દ્ર પણ કાર્યરત છે. સેના, અર્ધસૈનિક દળ, એનડીઆરએફ, એસડીઆરએફ, એનજીઓ તથા સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યમાં સહયોગ કરી રહ્યા છે.






