કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામે કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયા વિવિધ કાર્યક્રમો

તા.૧૧/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
‘‘આઝાદીના અમૃત મહોત્સવ’’ અંતર્ગત સ્વતંત્ર રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ અને સર્વોચ્ચ બલિદાન આપનાર વીરો માટે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ખાતે ગ્રામ પંચાયત દ્વારા ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાના બાળકો દ્વારા યોજાયેલી વિશાળ તિરંગા યાત્રામાં કલેકટરશ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોર જોડાયા હતા. આ તિરંગા યાત્રા દ્વારા ‘મારી માટી મારો દેશ’નો સંદેશ જન-જન સુધી પહોંચાડાયો હતો.

વેરાવળ ખાતે વીર શહીદોને નમન સાથે અંજલિ અર્પણ કરીને ‘‘શિલાફલકમ’’નું લોકાર્પણ કલેકટરશ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોરના હસ્તે કરવામાં આવ્યું હતું.
‘‘શિલાફલકમ’’ના લોકાર્પણ બાદ ‘‘વસુધા વંદન’’ કાર્યક્રમ હેઠળ અમૃત વાટિકામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અમૃતકળશમાં ગામની માટીને એકત્ર કર્યા બાદ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે ઉપસ્થિતોએ ‘‘પંચપ્રણ પ્રતિજ્ઞા’’ લીધી હતી. કાર્યક્રમ દરમિયાન ગ્રામ પંચાયત કચેરીના પ્રાંગણમાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.

નિવૃત્ત આર્મીમેન હવાલદાર શ્રી ડાભી લાલજીભાઈ ગોવાભાઈ તથા સ્વ. શ્રી કિશોરભાઈ પરમારના ઘર્મપત્ની શ્રી ચંપાબેન પરમારનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિતોના હસ્તે કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરીને રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરપંચશ્રી રવિરાજસિંહ જાડેજા, અગ્રણીશ્રી મનહરભાઈ બાબરીયા, ગોવિંદભાઇ રાઠોડ, ઘર્મેશભાઈ ટીલાળા, ઉમેશભાઈ સાંગાણી, જસ્મીનભાઈ સાંગાણી તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટી શ્રી સત્યમ દવે તથા આઈ.સી.ડી.એસ વિભાગના પ્રોજેક્ટ ઓફિસર શ્રી સાવિત્રી નાથજી, આંગણવાડીની બહેનો તના ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને ગ્રામજનો અને શાળાના બાળકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








