
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ વડા અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહને કોર્ટમાં હાજર રહેવું પડશે. રાઉઝ એવન્યુ કોર્ટે મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના કેસમાં ચાર્જશીટની નોંધ લીધી છે અને આ સાથે જ બૃજભૂષણ સિંહને સમન્સ પાઠવ્યું છે. બૃજભૂષણ પર 6 મહિલા કુસ્તીબાજોએ ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. બૃજભૂષણને હવે 18 જુલાઈએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રાઉઝ એવન્યુ કોર્ટે WFIના સહાયક સચિવ વિનોદ તોમરને પણ સમન્સ પાઠવ્યું છે. બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પોલીસે લગાવેલી કલમો ગંભીર ગુનાની શ્રેણીમાં આવે છે. આ પૈકી, IPCની કલમ 354માં મહત્તમ 5 વર્ષની સજાની જોગવાઈ છે અને તે બિન-જામીનપાત્ર કલમ છે. IPCની કલમ 354A હેઠળ મહત્તમ એક વર્ષની સજાની જોગવાઈ છે અને તે જામીનપાત્ર કલમ છે. IPCની કલમ 354Dમાં મહત્તમ 5 વર્ષની સજાની જોગવાઈ છે જ્યારે આ કલમ જામીનપાત્ર કલમ છે.
આ અગાઉ કોર્ટે દિલ્હી પોલીસને કેસ સાથે સંબંધિત CDR રિપોર્ટ અને FSL રિપોર્ટ દાખલ કરવા કહ્યું હતું. સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું હતું કે આ મામલે વિદેશમાં રહેતા કેટલાક લોકોને નોટિસ મોકલવામાં આવી છે. જેનો જવાબ આવવાનો બાકી છે. હવે આ મામલે FSL રિપોર્ટ પણ આવવાનો છે. તપાસના અન્ય કેટલાક અહેવાલોની હજુ રાહ જોવાઈ રહી છે. દિલ્હી પોલીસે કહ્યું કે આ કેસમાં ભવિષ્યમાં પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી શકે છે. કોર્ટે દિલ્હી પોલીસને આ કેસ સાથે સંબંધિત FSL રિપોર્ટ અને અન્ય તપાસ રિપોર્ટ જલ્દી ફાઈલ કરવા જણાવ્યું છે. દિલ્હી પોલીસે કહ્યું કે રિપોર્ટ જલ્દી મળે તે માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.










