પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા, ગુરદાસપુરના એક વૃદ્ધ ખેડૂતનું મોત
ટિયર ગેસથી બચવા માટે ખેડૂતો દોડતા જોવા મળ્યા

પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતો પર પોલીસ દ્વારા ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. આ દરમિયાન ટિયર ગેસથી બચવા માટે ખેડૂતો દોડતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો ન્યૂઝ એજન્સીએ શેર કર્યો છે. પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર ફરી પોલીસ અને ખેડૂતો આમને-સામને આવી ગયા હતા. ખેડૂતો દિલ્હી તરફ વધવાનો પ્રયાસ કરતા હતા. બીજી તરફ પોલીસે તેમણે રોકવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા.
ખેડૂતો પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાયદેસર ગેરંટી અને લોન માફી સહિતની તેમની માંગણીઓ અંગે કેન્દ્ર પર દબાણ લાવવા માટે આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સ્વામીનાથન કમિશનના રિપોર્ટનો અમલ થવો જોઈએ. આ ઉપરાંત ખેડૂતો વીજળી બિલ માફી અને સ્માર્ટ મીટરનો પણ વિરોધ કરી રહ્યા છે. સરકારનું કહેવું છે કે MSP સંબંધિત કાયદો ઉતાવળમાં ન બનાવી શકાય.
શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરવા ગયેલા ગુરદાસપુરના ચાચોકી ગામના રહેવાસી સરદાર જ્ઞાન સિંહ (63)નું તબિયત ખરાબ હોવાના કારણે મૃત્યુ થયું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલા ટીયર ગેસના શેલને કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તે પછી તેઓ સ્વસ્થ થઈ ગયા હતા પરંતુ ગુરુવારે રાત્રે અચાનક તેમની તબિયત લથડી અને તેમનું મોત થઈ ગયું.










