બોરસદ ખાતે સોફ્ટ ડ્રિંક્સ ખાતેથી લેવામાં આવેલ સોફ્ટ ડ્રિન્કનો નમૂનો મીસ બ્રાન્ડેડ જાહેર
નમૂનો આપનાર પેઢીના માલિક અને ઉત્પાદક પેઢીના માલિકને સંયુક્ત રીતે રૂ.૧૦,૦૦૦ નો દંડ કરાયો
તાહિર મેમણ : આણંદ 08/02/2024- : આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફટી ઓફિસર દ્વારા બોરસદ ખાતેના રોહિતવાસમાં આવેલ લાજવાબ ગૃહ ઉદ્યોગ એન્ડ સોફ્ટ ડ્રિંક્સ ખાતેથી પેઢીના માલિક સલીમશા રજબશા દિવાન પાસેથી સાક્ષીની રૂબરૂમાં “ઝાયકા સોફ્ટ ડ્રિંક જીરા મસાલા સ્વીટન્ડ આર્ટિફિશિયલ બેવરેજ (કાર્બોનેટેડ વોટર) ૨૨૫ મી.લી. કંપની પેક બોટલ” ની ખરીદી કરી જથ્થાના નમુનાનો એક ભાગ ફૂડ એનાલિસ્ટશ્રી, ભુજને મોકલવામાં આવ્યો હતો.
ફૂડ એનાલિસ્ટશ્રીના રિપોર્ટ મુજબ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ અને તે અન્વયેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ૨૦૧૧ ના પેકેજીંગ એન્ડ લેબલિંગ રેગ્યુલેશન મુજબ નમુનાના લેબલ ઉપર બેચ નંબર ના હોઈ તેમજ લીસ્ટ ઓફ ઇન્ગ્રીડિએન્ટસમાં એપલ જ્યુસ ૧૦.૨% લખેલ છે તથા નો ફ્રુટ પણ લખેલ છે, જે ધારાધોરણો મુજબ ન હોઈ સદર નમુનો મીસ બ્રાન્ડેડ જાહેર થયેલ છે.
ઉત્પાદક પેઢીના માલિક મીસ બ્રાન્ડેડ ખાદ્યચીજનું ઉત્પાદન અને વેચાણ કરતા હોવાનું સ્પષ્ટપણે પુરવાર થતું હોઈ, આણંદના એડજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત કરવામાં આવેલ હુકમ મુજબ બોરસદ ખાતે આવેલ લાજવાબ ગૃહ ઉદ્યોગ એન્ડ સોફ્ટ ડ્રિંક્સના માલિક સલીમશા રજબશા દિવાન અને હિંમતનગર ખાતે આવેલ અનામિકા ગૃહ ઉદ્યોગના માલિક અબ્દુલરહેમાન યુનુસભાઇ માલકાણીને સંયુક્ત રીતે રૂ.૧૦,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે.