
સુપ્રીમ કોર્ટે તમામ કોર્ટોને આદેશ આપ્યો છે કે, તેઓ કેસ દાખલ કરતી વખતે વાદીની જાતિ અને ધર્મ (Cast And Religion)નો ઉલ્લેખ કરવાની પ્રથા બંધ કરે. ન્યાયાધીશ હિમા કોહલી અને ન્યાયાધીશ અમાનુલ્લાહની બેંચે તમામ હાઈકોર્ટ (High Court)ને ખાતરી કરવા કહ્યું છે કે, તેમના અધિકાર ક્ષેત્ર હેઠળની ગૌણ અદાલતોમાં કોઈપણ અરજીમાં ફરિયાદીની જાતિ અથવા ધર્મનો ઉલ્લેખ ન થાય.
બેંચે કહ્યું કે, કોર્ટમાં કોઈપણ ફરિયાદીની જાતિ અથવા ધર્મનો ઉલ્લેખ કરવાનું અમને કોઈ કારણ જોવા મળ્યું નથી. આવી પ્રથાને ખતમ કરી દેવી જોઈએ. આ કોર્ટોમાં દાખલ કરાયેલી અરજી અને કાર્યવાહીમાં પક્ષકારોની જાતિ-ધર્મનો ઉલ્લેખ કરાશે નહીં, પછી ભલે નીચેની અદાલતો સમક્ષ આવું કોઈ નિવેદન રજૂ કરાયું હોય. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે, અમારા આદેશનું તુરંત પાલન કરવા બારના સભ્યો ઉપરાંત રજિસ્ટ્રીનું ધ્યાન દોરવામાં આવે. આદેશની નકલ સંબંધિત રજિસ્ટ્રાર સમક્ષ અવલોકન માટે મુકાશે અને કડક પાલન માટે તમામ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પણ મોકલાશે.
રાજસ્થાનના શ્રીગંગાનગરની ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ વૈવાહિક વિવાદ કેસમાં ટ્રાન્સફર પિટિશનને મંજૂરી આપતાં સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. બંને પક્ષકારોની અરજીમાં પતિ-પત્નીની જાતીનો ઉલ્લેખ કરાતા સુપ્રીમ કોર્ટે આશ્ચર્યવ્યક્ત કર્યું હતું. અરજદારના વકીલે કહ્યું કે, નીચલી અદાલતો સમક્ષ દાખલ પિટિશનમાં ફેરફાર કરવામાં આવે, તો રજિસ્ટ્રી વાંધો ઉઠાવે છે. આ કેસમાં બંને પક્ષકારોની જાતિનો ઉલ્લેખ કોર્ટ સમક્ષ કરાયો હતો, તેથી તેમની પાસે ટ્રાન્સફર પિટિશનમાં જાતિનો ઉલ્લેખ કરવા સિવાય અન્ય વિકલ્પ ન હતો.